VIDEO: અમરેલીમાં મેઘતાંડવ, જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં આવ્યું ભયાનક પૂર, કાંઠાના ગામો એલર્ટ!
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની બેટિંગ શરૂ કરતાં સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ અવિરત આકાશી આફતના લીધે જિલ્લાના તમામ નાના-મોટા નદી, નાળા અને જળાશયો છલકાયા છે, તો બીજી તરફ જળસ્તરમાં ભારે વધારો થયો છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પણ સિઝનનું ભયાનક પૂર આવતા નદી બંને કાંઠે હિલ્લોળા લઈ રહી છે. ખાસ કરીને અમરેલીના ગોખરવાળા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવવાના કારણે આસપાસના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીના ધસમસતા પ્રવાહના ચોંકાવનારા લાઈવ વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે, જેને પગલે પૂરની પરિસ્થિતિ પર નજર રાખવા માટે વહીવટી તંત્રનો કાફલો પણ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે.

