Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : What is this 'digital arrest'? How did an old man from Ahmedabad lose 7.12 crores? Read this hair-raising story

શું છે આ 'ડિજિટલ અરેસ્ટ'? અમદાવાદના વૃદ્ધે કેવી રીતે ગુમાવ્યા 7.12 કરોડ? વાચો આ રુંવાડા ઉભા કરી દેતો કિસ્સો

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
શું છે આ 'ડિજિટલ અરેસ્ટ'? અમદાવાદના વૃદ્ધે કેવી રીતે ગુમાવ્યા 7.12 કરોડ? વાચો આ રુંવાડા ઉભા કરી દેતો કિસ્સો
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદના સાયબર ક્રાઈમના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં એક 82 વર્ષીય વૃદ્ધને ત્રણ અઠવાડિયા સુધી 'ડિજિટલ અરેસ્ટ'માં રાખીને ભેજાબાજોએ રૂપિયા 7.12 કરોડ પડાવી લીધા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી છે.

App Store

કેવી રીતે રચાયું ષડયંત્ર?
આ છેતરપિંડીની શરૂઆત 4 ડિસેમ્બરે થઈ હતી. વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતે TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નો અધિકારી હોવાનું જણાવી ધમકી આપી હતી. ઠગોએ કહ્યું કે વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને અન્ય ઠગોએ વીડિયો કોલ કર્યો. તેમણે નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધનું નામ હોવાનું કહી ૨ કરોડના ગેરકાયદે વ્યવહારના નકલી પુરાવા બતાવ્યા હતા.

નકલી કોર્ટ અને 24 કલાક ડિજિટલ અરેસ્ટ
ભોગ બનનાર વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ હદ વટાવી દીધી હતી. વૃદ્ધને વોટ્સએપ પર એક નકલી ઓનલાઈન કોર્ટની સુનાવણીમાં હાજર રખાયા, જ્યાં એક વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જજ બનીને બેઠો હતો. તેમને 24 કલાક વોટ્સએપ વીડિયો કોલ ચાલુ રાખવા મજબૂર કરી ઘરમાં જ કેદ (ડિજિટલ અરેસ્ટ) કરી દેવાયા. CBI, RBI, ED અને ઇન્ટરપોલના લોગોવાળા નકલી પત્રો અને ધરપકડ વોરંટ મોકલીને તેમને જેલ અને બદનામીનો ડર બતાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધરપકડ 2 - image

7.12 કરોડ પડાવ્યા અને ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કર્યા
16થી 26 ડિસેમ્બર દરમિયાન, તપાસના નામે વૃદ્ધ પાસેથી તેમના બેંક ખાતા, પ્રોપર્ટી અને ડિમેટ એકાઉન્ટની વિગતો મેળવી લેવાઈ. 'વેરિફિકેશન' પછી પૈસા પરત મળી જશે તેવા ખોટા વિશ્વાસ સાથે વૃદ્ધે ₹7.12 કરોડ આરટીજીએસ (RTGS) અને ચેક દ્વારા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

કંબોડિયા અને ચીન સાથે કનેક્શન
જ્યારે પૈસા પરત ન મળ્યા ત્યારે વૃદ્ધે સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ કંબોડિયાથી ચાલતા ચીની સાયબર ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલું છે. ધરપકડ કરાયેલા 12 આરોપીઓ અમદાવાદ અને સુરતના છે, જેઓ કમિશન મેળવી પોતાના બેંક ખાતા ઠગોને વાપરવા આપતા હતા. છેતરપિંડીની રકમ ટેલિગ્રામ ચેનલો દ્વારા USDT (ક્રિપ્ટોકરન્સી)માં ફેરવીને વિદેશ મોકલી દેવામાં આવતી હતી. પોલીસને તપાસમાં 238 જેટલા 'મ્યુલ' (ભાડે રાખેલા) બેંક ખાતાઓ મળી આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે આ કેસમાં છેતરપિંડી, ઓળખની ચોરી અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી છે.