Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Flood of devotion in Dakor: More than 1.50 lakh devotees had darshan of 'Kaliya Thakor' on Poshi Poonam

 VIDEO: ડાકોરમાં ભક્તિનું ઘોડાપૂર: પોષી પૂનમે 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ‘કાળિયા ઠાકોર’ના દર્શન

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આજે 'જય રણછોડ, માખણચોર'ના ગગનભેદી નાદ સાથે ભક્તિમય બની ગયું છે. વિક્રમ સંવત 2082ના નવા વર્ષની પ્રથમ પૂનમ એટલે કે પોષી પૂનમ નિમિત્તે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કિડીયારું ઉભરાયું હતું. વહેલી સવારથી જ ડાકોરની ગલીઓ ભક્તોથી ઉભરાઈ ગઈ હતી અને આખું નગર શ્રદ્ધાના રંગે રંગાયું હતું.

App Store

મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
આજે વહેલી સવારે 5:15 કલાકે જ્યારે મંગળા આરતીના દ્વાર ખુલ્યા, ત્યારે હજારો ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ 50 હજારથી વધુ ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી છે. દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના કારણે મંદિર પરિસર ભક્તોના મહેરામણથી છલકાઈ ગયું હતું.

ઠાકોરજીનો રાજભોગ અને શિયાળું શણગાર
શિયાળાની ગુલાબી ઠંડીનો પ્રકોપ હોવાથી, ભક્તોના લાડીલા શ્રીજીને ઠંડી ન લાગે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંપરા મુજબ ભગવાનની સન્મુખ ચાંદીની સગડીમાં કોલસા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા, જેથી ગર્ભગૃહમાં હૂંફ જળવાઈ રહે. આ ઉપરાંત, ઠાકોરજીને લાખો રૂપિયાની કિંમતી શાલ અને અત્યંત સુંદર કસુંબલ વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા, જે ભગવાનના દિવ્ય સ્વરૂપને વધુ તેજોમય બનાવતા હતા.

દર્શનના સમયમાં વધારો
ભક્તોના અવિરત પ્રવાહ અને ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ ભક્ત દર્શન વગર ન રહી જાય તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન અને મંદિરના સ્વયંસેવકો દ્વારા ભીડનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવી રહ્યું છે.

દેશની પ્રગતિ માટે પ્રાર્થના
નવા વર્ષની આ પ્રથમ પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. દર્શન કરવા આવેલા ભાવિકોએ ભગવાન રણછોડરાયના ચરણે શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી કે, "આખું વર્ષ સુખમય અને શાંતિપૂર્ણ વિતે તેમજ ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે." ઉલ્લેખનીય છે કે, ડાકોર આજે ખરેખર ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ભાસી રહ્યું છે.