VIDEO: અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે સરખેજથી વિશાલા રોડ પર જળબંબાકાર, 4 કલાક સુધી ટ્રાફિકજામ
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત વ્યસ્ત એવા સરખેજથી વિશાલા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર પાણીનો ભરાવો થતાં આ મુખ્ય માર્ગ પર લગભગ ૪ કલાક સુધી ભયાનક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઓવરબ્રિજની કામગીરી બની મુસીબતનું કારણ
સ્થાનિક અહેવાલો અનુસાર, આ માર્ગ પર ચાલી રહેલા ઓવરબ્રિજના કામના કારણે પાણીના નિકાલ માટેના કેચપીટ બંધ થઈ ગયા હતા. પરિણામે, વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થઈ શકતાં આખો રોડ તળાવમાં ફેરવાઈ ગયો હતો. કાર, બાઇક સહિત અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં પીક અવર્સ દરમિયાન નોકરી-ધંધે જતાં નાગરિકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
વેજલપુર પોલીસની પ્રશંસનીય કામગીરી
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને વેજલપુર પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. લોકોની મદદ માટે વેજલપુર પોલીસ સ્ટાફ પોતે ગોઠણસમા પાણીમાં ઊતર્યો હતો. પોલીસે બંધ પડેલા વાહનોને ધક્કા મારીને સાઈડમાં કરાવ્યા હતા અને સતત જહેમત ઉઠાવીને ધીમે-ધીમે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ખાખી વર્દીની આ ત્વરિત અને સરાહનીય કામગીરીથી વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

