VIDEO: વટવા- લાંભામાં સાડા ચાર ઈંચ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા; અમદાવાદમાં 6 કલાકમાં જળબંબાકાર
અમદાવાદના વાતાવરણમાં 12મી સપ્ટેમ્બરથી પલટો આવ્યો છે. એક દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે (14મી સપ્ટેમ્બર) પણ વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં શરેન અનેક 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં 6 કલાકમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ વટવામાં 4.37ઈંચ અને લંભામાં 4.21 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
•વટવા: 4.37 ઈંચ
•લાંભા: 4.21 ઈંચ
•બોપલ: 3.44 ઈંચ
•રામોલ: 3.37 ઈંચ
•જોધપુર ઝોનલ: 3.37 ઈંચ
•ઇન્દ્રપુરી: 3.31 ઈંચ
•સરખેજ: 3.29 ઈંચ
•જોધપુર: 3.21 ઈંચ
•દૂધેશ્વર: 3.05 ઈંચ
•મણિનગર: 3.01 ઈંચ
નારોલ સરખેજ હાઇવેના રોડની હાઈટ વધતા સોસાયટીઓમાં પાણી ભરાયા
નારોલથી સરખેજ હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી હેઠળ નેશનલ હાઇવેનો રોડ ઓછો થઈ ગયો છે અને તેની આજુબાજુમાં આવેલી સોસાયટીઓના રોડ નીચે થઈ ગયા છે જેના કારણે પાણીનું વહેણ સોસાયટીઓ તરફ થતા ત્યાં પાણી ભરાયા છે. મકતમપુરા વોર્ડના કોર્પોરેટર હાજી અસરાર બેગે આક્ષેપ કર્યા છે કે, અધિકારીઓને અનેક વખત કેચપીટો સાફ કરવાનું કહ્યું હતું છતાંય સાફ કરવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે અમને પેમેન્ટ જ નથી અપાયો તો કઈ રીતે સફાઈ કરીએ.
નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ
ભારે વરસાદના કારણે નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડ પર વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરો અટવાયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ST બસોના સંચાલન પર પણ અસર પડી છે અને બસ મોડી પડતા થતાં મુસાફરોને પોતાના ગંતવ્યસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
કેશવબાગ પાસે ટ્રાફિક જામ
બીજી તરફ, નેહરુનગરથી કેશવબાગ સુધીના માર્ગ પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.
પૂર્વ અમદાવાદમાં વરસાદી પાણીનો ભરાવો, અનેક વિસ્તારો જળબંબાકાર
ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ અને ખોખરા વોર્ડના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા ઉદ્ગમ અર્ચના હાઈસ્કૂલના સંકુલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા શાળા સંકુલમાં મુશ્કેલી સર્જાઈ હતી. હાટકેશ્વરના 132 ફૂટ રિંગ રોડથી ગુરુજી બ્રિજ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયું હતું. સાથે જ ખારીકટ કેનાલ નજીકના નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
ઈસ્કોનથી કર્ણાવતી ક્લબ સુધી વાહનોની ધીમી ગતિ, મીઠાખળી અંડરપાસ બંધ
શહેરના એસ.જી. હાઈવે પર ભારે વરસાદને પગલે ઈસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતાં વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં શરૂ કરાયેલા નવા રેમ્પને કારણે પાણી ભરાવાની સ્થિતિમાં પણ ટ્રાફિક વ્યવસ્થિત રીતે સુચારુ રહ્યો છે. બીજી તરફ, ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વાહનચાલકોની સુરક્ષા અર્થે મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વાસણા બેરેજના ગેટ નંબર 25, 26, 27 ખોલ્યા છે.
એસ.પી રિંગ રોડ પર આવેલું મોહમ્મદપુરા અંડર બ્રિજ બંધ
ભારે વરસાદને પગલે પાણી ભરાતા અનેક અંડરબ્રિજમાંથી વાહનોનું પસાર થવું મુશ્કેલ થઇ રહ્યું છે ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા મોહમ્મદપુરા ખાતેના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે તેને વાહનવ્યવહાર માટે બંધ કરવાની જાહેરાત કરાઇ છે.
આજે સવારે 6થી 10 વાગ્યા સુધી આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો.
વટવા: 2.76 ઈંચ
દૂધેશ્વર: 2.17 ઈંચ
લંભા: 2.15 ઈંચ
બાકરોલ: 2.01 ઈંચ (એક કલાકમાં 2 ઈંચ)
રામોલ: 1.67 ઈંચ
વસ્ત્રાલ: 1.52 ઈંચ
ઈન્દ્રપુરી: 1.42 ઈંચ
સરખેજ અર્બન હેલ્થ: 1.26 ઈંચ (એક કલાકમાં 1.2 ઈંચ)
મણિનગર: 1.10 ઈંચ
ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 1.06 ઈંચ
અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો છે. જે છેલ્લા 5 વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા જેટલો થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ થયો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 0.06 ઈંચ વરસાદ થયો હતો. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 0.18 ઈંચ, દક્ષિણ ઝોનમાં 0.12 ઈંચ અને ઉત્તર ઝોનમાં 0.11 ઈંચ વરસાદ થયો હતો. આ સમયગાળામાં ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં સૌથી વધુ 0.28 ઈંચ વરસાદ પડ્યો હતો. રિપોર્ટ મુજબ વાસણા બેરેજની પાણીની સપાટી 129.00 ફૂટ પર છે. નદીમાં 358 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને બેરેજનો 1 ગેટ 0.5 ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

