Ahmedabad / કોંગ્રેસમાં ભડકો; વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જગદીશ ઠાકોર પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ટિકિટ કપાતા સર્જાયો વિવાદ

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે પક્ષના જ એક પાયાના કાર્યકરે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના હોદ્દેદારે જગદીશ ઠાકોરના જન્મદિવસના દિવસે જ તેમની સામે આરોપોનો મારો ચલાવ્યો છે.
કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જગદીશ ઠાકોર સામે આકરા પ્રહારો કર્યા છે. ગોહિલે આક્ષેપ કર્યો છે કે જગદીશ ઠાકોરે તેમના મળતિયાઓને ટિકિટ અપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી છે. આ ઘટનાને પગલે નરોડા રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. મહેન્દ્રસિંહ ગોહિલે ક્ષત્રિય સમાજ પ્રત્યે જગદીશ ઠાકોરના વલણ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે, જગદીશ ઠાકોર પોતાને ક્ષત્રિય સમાજથી પણ મોટા માને છે. તેમણે સમાજને અપીલ કરી છે કે આવા ચહેરાઓને ઓળખવાની જરૂર છે જેઓ સમાજ અને પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ ટિકિટની ફાળવણી માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ ગોહિલનું નામ કોંગ્રેસે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ઉમેદવાર તરીકે સામેલ હતું. જોકે, અચાનક જાહેર થયેલી બીજી યાદીમાં તેમનું નામ કાપી નાખવામાં આવ્યું હતું. આ ફેરફાર પાછળ જગદીશ ઠાકોરનો હાથ હોવાનો સીધો આરોપ ગોહિલે લગાવ્યો છે.

