VIDEO: Ahmedabad / ભાજપે અસારવા વોર્ડમાં સામાન્ય રિક્ષા ચાલકને આપી ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપે અમદાવાદના અસારવા વોર્ડમાં એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. ભાજપે કોઈ મોટા ગજાના નેતાને બદલે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા દશરથ પટણીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાત બાદ દશરથભાઈના પરિવાર અને સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે.
દશરથ પટણી છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાયેલા છે. તેઓ વ્યવસાયે રિક્ષા ચાલક છે, પરંતુ પક્ષનું કોઈપણ કામ હોય કે ચૂંટણી લક્ષી પ્રચાર, તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. તેમની વફાદારી અને મહેનતને ધ્યાને રાખીને પક્ષે આ વખતે તેમને ચૂંટણી લડવાની તક આપી છે. અસારવા વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે તેઓએ અન્ય લોકોની મદદ કરવામાં અને રાહત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ સેવાકીય ભાવનાને પક્ષે બિરદાવી છે.
ચૂંટણી જીત્યા બાદની પ્રાથમિકતાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, અસારવા વિસ્તારમાં ડ્રેનેજ (ગટર) લાઇનની સમસ્યા સૌથી મોટી છે. જો તેઓ આ ચૂંટણી જીતશે, તો અસારવાવાસીઓને આ મુખ્ય સમસ્યામાંથી મુક્તિ અપાવવી એ તેમનું પ્રથમ લક્ષ્ય રહેશે.

