Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Violence breaks out after murder of young man in Dhandhuka, shops set on fire, accused jailed, police in tight security

VIDEO: ધંધુકામાં યુવાનની હત્યા બાદ ફાટી નીકળી હિંસા, દુકાનોમાં આગચંપી, આરોપી જેલભેગો, પોલીસનો લોખંડી બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO/Dhandhuka News: અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક   યુવકની હત્યાની ઘટના બાદ બે કોમ સામ સામે આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે બે ધર્મના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. એવી ચર્ચા છે કે બંને યુવકો વચ્ચે વાહન ઓવરટેક જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. 

App Store

હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં કરી આગચંપી
 યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાળિયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

ધંધુકામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો, મુખ્ય આરોપીની ધરપકડ
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એસપી (SP) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

આસપાસના શહેરોમાંથી ફાયર વિભાગની ટીમો બોલાવાઈ
કેટલીક દુકાનોમાં પણ આગચંપી કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરામાંથી ફાયર વિભાગની ટીમો બોલાવવામાં આવી છે.

હાલ સ્થિતિ કાબૂમાં, શાંતિની કરાઈ અપીલ
સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એક દુ:ખદ ઘટના છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૌએ સમજદારી દાખવવી જોઈએ.

હાલમાં ધંધુકામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણ હેઠળ છે, છતાં તંગદિલીને ધ્યાનમાં રાખીને વધારાની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને શહેરની શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપે.