Indian Railways: રેલવે મુસાફરો ધ્યાન આપજો! બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે શનિવારે મેગા બ્લોક: વંદે ભારત સહિત 10 ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર

Indian Railways: ગુજરાતના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ સેક્શનમાં પ્રિકાસ્ટેડ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી માટે પશ્ચિમ રેલવે દ્વારા આગામી 19 એપ્રિલના રોજ ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે વડોદરા અને અમદાવાદ વિભાગમાંથી પસાર થતી અનેક ટ્રેનોના રૂટ અને સમયમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
કઈ ટ્રેનો સંપૂર્ણ કે આંશિક રદ રહેશે?
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલે વટવા-વડોદરા વચ્ચે દોડતી મેમુ ટ્રેન તેમજ જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ રહેશે. આ ઉપરાંત, 18 એપ્રિલે પણ વડોદરા-જામનગર ઈન્ટરસિટી રદ કરવામાં આવી છે. વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન ટ્રેન 19 એપ્રિલે વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે, એટલે કે આ ટ્રેન વડોદરા સુધી જ દોડશે.
વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં કાપ
હાઈ-પ્રોફાઈલ વંદે ભારત એક્સપ્રેસને પણ આ બ્લોકની અસર થશે. મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલે વટવા સ્ટેશન પર જ ટૂંકાવી દેવામાં આવશે, જેના કારણે વટવા અને ગાંધીનગર વચ્ચેની તેની સેવા બંધ રહેશે. તેવી જ રીતે, ગાંધીનગરથી ઉપડતી વંદે ભારત ટ્રેન અમદાવાદ સ્ટેશનથી શરૂ થશે, એટલે કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે તે રદ રહેશે.
વિલંબથી દોડતી ટ્રેનો
બ્લોક દરમિયાન ઘણી લાંબા અંતરની ટ્રેનોને 'રેગ્યુલેટ' (થોભાવી રાખવી) કરવામાં આવશે. આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ અને હાવડા-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા વિભાગમાં અટકાવી રાખવામાં આવશે, જેના કારણે આ ટ્રેનો લગભગ 1 કલાક અને 40 મિનિટ જેટલી મોડી પહોંચશે. આ ઉપરાંત સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન પણ 45 મિનિટના વિલંબ સાથે દોડશે.
રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર એપ અથવા પૂછપરછ બારી પરથી ટ્રેનનું ચોક્કસ સ્ટેટસ જાણી લે જેથી અંતિમ સમયે મુશ્કેલી ન પડે.

