VIDEO: અમદાવાદમાં ખાખીની દબંગાઈ, SMCના પોલીસકર્મીએ યુવકને ઓફિસમાં બોલાવી માર માર્યો, CCTV VIRAL
VIDEO: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસકર્મીઓ જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે જનતામાં ફાળ પડે તે સ્વાભાવિક છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એક પોલીસ કૉન્સ્ટેબલ દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે.
શું હતો આખો મામલો
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના શાહપુરમાં આવેલા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં રૂમ રાખવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરાર એટલી હદે વકરી કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસકર્મી નવાઝ ગુલામ રસુલે પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. નવાઝે યુવકને ભવનની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં તેને અપશબ્દો બોલી માર માર્યો હતો. પોલીસ કૉન્સ્ટેબલની આ સમગ્ર દબંગાઈ ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
CCTV ફૂટેજ થયા વાયરલ
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસકર્મી કઈ રીતે કાયદાનો ડર રાખ્યા વગર યુવક પર હુમલો કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. સામાન્ય જનતામાં પણ પોલીસની આ વર્તણૂક સામે રોષ જોવા મળ્યો હતો.
અંતે સમાધાન થઈ મામલો થાળે પડયો
ઘટનાને પગલે મામલો શાહપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે, એવી ચર્ચા છે કે મામલો વધુ બિચકે તે પહેલા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે દબંગાઈ કરનાર કોન્સ્ટેબલ નવાઝે નમતું જોખ્યું હતું. પોલીસ સ્ટેશનમાં જ કૉન્સ્ટેબલે યુવકની માફી માંગી હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો છે. પરંતુ, ખાખી વર્દી પહેરીને સામાન્ય નાગરિક પર હાથ ઉપાડવાની આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા હતા.

