VIDEO/ Ahmedabad: મોટેરા આસારામ આશ્રમ પાસે AMCનું ડિમોલિશન, આત્મદાહની ચિમકી
અમદાવાદના મોટેરા ગામમાં આસારામ આશ્રમ પાસે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ છે. અનેક મકાનોના ગેરકાયદેસર ભાગને આજે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે.. કોટેશ્વર વિસ્તારમાં 50 વારની સનદ સિવાયના બાંધકામો તોડવાની AMC ની કામગીરી સામે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે, જ્યાં અગાઉથી માર્કિંગ ન કરવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
એક વ્યક્તિ દ્વારા આત્મદાહની ચિમકી અને મહિલાઓ સહિતના લોકોની અટકાયત બાદ, પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી. 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાશે. મોટેરામાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા છે. સ્થાનિકોનું માનવુ છે કે તેમનું મકાન વર્ષો જૂનું છે. થોડુઘણુ બાંધકામ ગેરકાયદે હોઈ શકે છે. પરંતુ તેને પાડવા માટે સીધા નોટીસ વગર બુલડોઝર લઈને મનપાની ટીમ પહોંચી ગઈ છે. સ્થાનિકોની વ્યથા છે કે તેમને મકાનના બદલામાં સાતથી આઠ હજાર ભાડાની ઓફર કરવામાં આવી અને ઔડાનું મકાન ફાળવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એટલા ભાડામાં કોઈ મકાન મળતું નથી. ચોમાસુ આવી રહ્યું છે અને બાળકોની સ્કૂલ ચાલુ થઈ રહી છે તો તેઓ ક્યાં જશે..

