માત્ર કાર હટાવવાની સામાન્ય વાતે કૃષ્ણનગરમાં ગાર્ડ પર જીવલેણ હુમલો, CCTV સામે હોવા છતાં કોના દબાણમાં ખાખી ચૂપ?

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અવની હોમ્સ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીના ગેટ સામે અડચણરૂપ રીતે ઊભી રાખેલી કાર હટાવવાનું કહેતાં કારચાલક અને તેની સાથેના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને આધેડ સિક્યોરિટી ગાર્ડ સાથે કહીસુની કર્યા બાદ તેમના પર હુમલો કરી દીધો હતો. 20મી ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
શું હતી સમગ્ર ઘટના?
કૃષ્ણનગરના બાપા સીતારામ ચોક પાસે આવેલી અવની હોમ્સ સોસાયટીના ગેટ આગળ કેટલાક લોકોએ પોતાની કાર અડચણરૂપ રીતે ઊભી રાખી હતી. સોસાયટીમાં આવતા-જતા વાહનોને તકલીફ પડતી હોવાથી ફરજ પર હાજર આધેડ સિક્યોરિટી ગાર્ડે કારચાલકને ગાડી થોડી આગળ લેવા વિનંતી કરી હતી. આ બાબતે કારમાં સવાર લોકો રોષે ભરાયા હતા અને ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આ શખસોએ ગાર્ડ પર હાથાપાઈ કરીને બેફામ માર માર્યો હતો.
પોલીસની કામગીરી સામે સવાલો: માથાભારે તત્વો સામે માત્ર અરજી?
આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર મારામારીના સીસીટીવી પુરાવા ઉપલબ્ધ હોવા છતાં અને પીડિત ગાર્ડ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે ગુનો નોંધવાને બદલે માત્ર એક સામાન્ય અરજી લઈને સંતોષ માન્યો હતો. પોલીસની આ ઢીલી નીતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચર્ચા થઈ રહી છે કે ગાર્ડ પર હુમલો કરનાર શખસો રાજકીય કે સામાજિક રીતે વગદાર હોવાના કારણે પોલીસ વિધિવત એફઆઈઆર નોંધવામાં આનાકાની કરી રહી છે. હવે વાઈરલ વીડિયોના આધારે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું.

