VIDEO: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ₹40 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિ અને ગેરકાયદે ભરતીના ગંભીર આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સત્તાનો દુરુપયોગ કરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ નાણાકીય ગેરરીતિઓ અને ગેરકાયદે નિમણૂકોના અનેક કિસ્સાઓ એકપછી એક પ્રકાશમાં આવી રહ્યા છે, જેને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગેરકાયદે નિમણૂકો અને ઉંચા પગારનો આક્ષેપ
મળતી માહિતી અનુસાર, નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ UGCના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયા એવા 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ પદો પર ગોઠવી દીધા હતા. આ લોકોને કુલપતિના પોતાના પગાર કરતા પણ વધુ મહેનતાણું વિદ્યાર્થીઓની ફીના નાણાંમાંથી ચૂકવવામાં આવતું હોવાનો દાવો પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કર્યો છે.
આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત મળેલી 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટના દુરુપયોગની છે. આ પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર નિમીને નિયમિત પગાર ઉપરાંત 4.20 લાખ રૂપિયાનું ભથ્થું મેળવી લીધું હતું. આ ઉપરાંત, ગ્રાન્ટ ખાતામાંથી 9.84 લાખ રૂપિયા તેમના જર્મની સ્થિત પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં 40 કરોડ રૂપિયામાંથી 50 ટકાથી વધુ રકમનો કોઈ જ હિસાબ યુનિવર્સિટી પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી.
NSUIનો હોબાળો, નકલી નોટો ઉડાડી અલ્ટીમેટમ આપ્યું
આ નાણાકીય ઉચાપત સામે કોંગ્રેસ અને NSUI મેદાને પડ્યા છે. NSUIના આશરે 200 જેટલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં ઘેરાવ કરી કુલપતિની ઓફિસમાં ‘નીરજા ગુપ્તા હાય હાય’ના નારા સાથે ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. નીરજા ગુપ્તા સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કાર્યવાહી નહીં થાય તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બંધનું એલાન અને કુલપતિનું મોઢું કાળું કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
10 કર્મચારીઓ સસ્પેન્ડ, તપાસ કમિટીની રચના
ચારે તરફથી ભારે હોબાળો મચ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને ગેરકાયદે રખાયેલા તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલાની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારોને ટર્મિનેટ કરી નાણાંની વસૂલાત કરવામાં આવશે.
ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોષીએ જણાવ્યું હતું કે, ''અમને યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે ગંભીર નાણાંકીય ઉચાપત અંગેની રજૂઆત મળી છે. આ બાબતે યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવશે અને તેના તમામ કાયદાકીય પાસાઓ વિશે અમે અમારા લીગલ એડવાઈઝર સાથે ચર્ચા કરીશું. આ મામલાની તપાસ માટે જરૂર જણાશે તો 1 કમિટીની રચના પણ કરવામાં આવી શકે છે, પરંતુ હું ખાતરી આપું છું કે યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે.'

