અઠવાડિયામાં બે વખત ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ, 4 સપ્ટેમ્બરે અનેક વિકાસકાર્યોને આપશે ગતિ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. 27 અને 28 ઓગસ્ટના કાર્યક્રમો બાદ તેઓ 4 સપ્ટેમ્બરે ફરી ગુજરાતની મુલાકાત લેશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે.
મળતી માહિતી મુજબ, અમિત શાહ 4 સપ્ટેમ્બરે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન દેશના રેલવે ક્ષેત્રમાં ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત, તેઓ ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રમતગમતના વિકાસને વેગ આપનારા આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેલાડીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
અમિત શાહ અમદાવાદ શહેરના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગણાતા વાડજ બ્રિજનું પણ લોકાર્પણ કરશે. આ બ્રિજના શરૂ થવાથી શહેરના ટ્રાફિક દબાણમાં ઘટાડો થવાની સાથે વાહનચાલકોને વધુ સરળ અને ઝડપી અવરજવરનો લાભ મળશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે તેમજ જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે સંદેશ આપશે. તેમના આ પ્રવાસને લઈને ભાજપ અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

