ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,ટિકિટ વિતરણમાં ગેરરીતિએ ખેલ બગાડ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યૂહનીતિ ઘડવા અને પક્ષમાં નવો પ્રાણ ફૂંકવા માટે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરબદલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આઠ-નવ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની હકાલપટ્ટી કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. સ્થાનિક સ્તરે જૂથબંધી અને કથળતા પ્રદર્શનને રોકવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ હવે એક્શન મોડમાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળું પ્રદર્શન, ટિકિટ વિતરણમાં ગેરરીતિએ ખેલ બગાડ્યો
સમગ્ર દેશમાંથી ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરીને 'સંગઠન સૃજન અભિયાન'ની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ પાયાના કાર્યકરોને સાંકળીને મજબૂત સંગઠન ઊભું કરવાનો હતો. આ જ અભિયાન અંતર્ગત અગાઉ વિવિધ શહેર અને જિલ્લાના પ્રમુખોની તાજપોશી કરવામાં આવી હતી. જોકે, આ પ્રયોગ જમીની સ્તરે અપેક્ષિત પરિણામો આપવામાં નિષ્ફળ રહ્યો હોવાનું મોવડીમંડળના ધ્યાન પર આવ્યું છે.
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ આંતરિક જૂથબંધી અને ખોટા નિર્ણયો જવાબદાર હોવાનું ખુલ્યું છે. સ્થાનિક સ્તરે સક્રિય અને વફાદાર કાર્યકરોની ઉપેક્ષા કરીને અયોગ્ય તેમજ નબળા લોકોને ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ ખરાબ પ્રદર્શન માટે જે-તે જિલ્લા અને શહેરના પ્રમુખોની નિષ્ક્રિયતા મુખ્ય કારણ હોવાનું આંતરિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

