VIDEO: Ahmedabad / અસારવામાં માતાથી વિખૂટા પડેલા મોરના ચાર બચ્ચાંનું સુરક્ષિત રેસ્ક્યૂ; વન વિભાગને સોંપાયા
અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા બેઠક નજીક રાષ્ટ્રીય પક્ષી મોરના ચાર બચ્ચાં માતાથી વિખૂટા પડીને નિરાધાર હાલતમાં રસ્તા પર ફરી રહ્યાં હોવાની જાણ એનિમલ હેલ્પલાઇન પર કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ 'એનિમલ લાઈફ કેર'ના વન્યજીવ નિષ્ણાત વિજય ડાભી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રસ્તા પર ભટકી રહેલા આ ચારેય બચ્ચાં કોઈ અન્ય હિંસક પ્રાણી કે પક્ષીનો શિકાર બને તે પહેલાં જ તેમનું સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ બાદ બચ્ચાંને જરૂરી ફીડિંગ કરાવીને પ્રાથમિક સારસંભાળ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ તેમના યોગ્ય ઉછેર અને સંરક્ષણ અર્થે ચારેય બચ્ચાંને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી મોરના બચ્ચાં જોવા મળવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ નાગરિકને મોરનું બચ્ચું માતાથી વિખૂટું પડેલું, રસ્તા પર કે અસહાય હાલતમાં નજરે પડે, તો તેને જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક નજીકની એનિમલ હેલ્પલાઇન અથવા વન વિભાગનો સંપર્ક કરવા 'એનિમલ લાઈફ કેર' દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય પક્ષી મોરનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે.

