Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Retired man cheated of ₹39.70 lakh; Cheated by installing APK for pension card verification

Ahmedabad: નિવૃત્ત વૃદ્ધ સાથે લાખોની છેતરપિંડી; પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરાવી ઠગાઈ કરી

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: નિવૃત્ત વૃદ્ધ સાથે લાખોની છેતરપિંડી; પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરાવી ઠગાઈ કરી
સોર્સ : GSTV

અમદાવાદમાં સાયબર ગુનેગારો હવે સિનિયર સિટિઝન્સ અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપીને એક 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ડિજિટલ લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઠગે વૃદ્ધની ઉંમર અને ટેકનોલોજીની ઓછી જાણકારીનો ગેરલાભ ઉઠાવી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને એપીકે (APK) ફાઈલ ઇન્સ્ટોલ કરાવીને તેમના બેન્ક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 39.70 લાખ રૂપિયા સાફ કરી દીધા હતા.

App Store

પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને વોટ્સએપ પર આવી 'ઝેરી' ફાઈલ

મળતી માહિતી અનુસાર, ચાંદખેડામાં રહેતા 70 વર્ષીય ચિરાગ સુતરિયા નિવૃત્ત જીવન જીવે છે. તેણે જીવનભરની કમાણી અને બચતના નાણાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઓ.ડી. (Overdraft) તથા એફ.ડી. (Fixed Deposit) એકાઉન્ટમાં રાખ્યા હતા. ગત 18મી જૂનના રોજ સાંજે ચિરાગના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર શખસે સેન્ટ્રલ બેન્કમાંથી બોલતો હોવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા અને જણાવ્યું હતું કે તેનું પેન્શન કાર્ડ વેરિફિકેશન કરવાનું બાકી છે. આ પ્રક્રિયા માટે ઠગે ચિરાગના વોટ્સએપ પર "PENSION CARD VERIFICATION.apk" નામની એક ફાઈલ મોકલી હતી અને તેને ઈન્સ્ટોલ કરવા કહ્યું હતું.

એપીકે (APK) ડાઉનલોડ કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગના હાથમાં

ચિરાગે બેન્ક અધિકારી સમજીને જેવી આ ફાઈલ ડાઉનલોડ કરી, કે તુરંત જ તેમના મોબાઈલ સ્ક્રીન અને આખા ફોનનો રિમોટ એક્સેસ સાયબર ઠગના હાથમાં જતો રહ્યો હતો. ત્યારબાદ ચિરાગ કશું સમજે તે પહેલાં જ ઠગે તેના મોબાઈલમાંથી નેટ બેન્કિંગના આઈડી, પાસવર્ડ અને બેન્ક તરફથી આવતા ઓટીપી (OTP) ગુપ્ત રીતે મેળવી લીધા હતા. ઠગે ચિરાગના સેન્ટ્રલ બેન્કના ખાતામાંથી ટુકડે-ટુકડે કરીને કુલ 39,70,000 રૂપિયા અલગ-અલગ 'રેઝરપે' (Razorpay) એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

મેસેજ આવતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ 

બેન્ક એકાઉન્ટમાંથી ઉપરાઉપરી લાખો રૂપિયા ડેબિટ થવાના મેસેજ મોબાઈલ પર ફ્લેશ થતાં ચિરાગ ચોંકી ઉઠ્યા હતા અને પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરી પોતાના એકાઉન્ટ્સ બ્લોક કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ રેઝરપે એકાઉન્ટ્સ અને જે નંબરો પરથી કોલ આવ્યો હતો તેના આધારે સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.