VIDEO: Ahmedabad / અસારવામાં 7થી વધુ ચાલીઓના રહીશોએ ભાજપનો કર્યો બહિષ્કાર; રી-ડેવલોપમેન્ટના નામે છેતરપિંડીનો આક્ષેપ
ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવે તેવા સમાચાર અમદાવાદના અસારવા વિસ્તારમાંથી સામે આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના મતવિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ભાજપ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અસારવાની વિવિધ ચાલીઓમાં "કમળનું ફૂલ, અમારી ભૂલ" ના લખાણ સાથેના પોસ્ટરો લગાડીને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે.
મળતી માહિતી મુજબ, અસારવા વિસ્તારમાં આવેલી અંદાજે 7થી વધુ ચાલીઓના રહીશોએ એકસાથે મળીને ભાજપનો બહિષ્કાર કર્યો છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, રી-ડેવલોપમેન્ટના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે ભાજપના મળતીયાઓ દ્વારા ખાનગી બિલ્ડરોના ફાયદા માટે સામાન્ય લોકોની ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અસારવા વિસ્તારની શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, ઓડ વાસ, હીરાલાલ કેશવલાલની ચાલી, મહાજનની વાડી, પતરા વાળી ચાલી આ તમામ વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર પોસ્ટરો લગાવી દીધા છે. ખાસ કરીને પતરા વાળી ચાલીના રહીશોએ તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.
આ તમામ ચાલીઓના મળીને અંદાજે 7,000 જેટલા મતદારો છે, જેઓ હાલ સત્તાધારી પક્ષથી નારાજ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની મિલકતો અને હકની સુરક્ષા નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. શહેરી વિકાસ મંત્રીના પોતાના જ વિસ્તારમાં આ પ્રકારે 'ચૂંટણી બહિષ્કાર' અને 'ભાજપ વિરોધી' પોસ્ટરો લાગતા રાજકીય આલમમાં અનેક ચર્ચાઓ જાગી છે.

