VIDEO: Gujaratમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં; ઘી-પનીર અને દૂધના 489 સેમ્પલ ફેલ
ગુજરાતમાં શુદ્ધ આહારના નામે અશુદ્ધતાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના છેલ્લા એક વર્ષના આંકડા આંખો ઉઘાડનારા છે. દૂધ, ઘી અને પનીર, ચીઝ જેવા ખાદ્યચીજોમાં પણ ભેળસેણિયાઓએ પોતાનું પાપી પેટ ભરવા માટે ઝેર ભેળવવાનું શરૂ કરી દીધું છે. લોકો હોંશે હોંશે જે આઈસ્ક્રીમ ખાય છે, તેના પણ 23 સેમ્પલ ફેલ થતાં હવે ગ્રાહકોએ બજારમાં સ્વાદ માણતા પહેલા સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તંત્રની ઢીલી નીતિને પગલે મિલાવટખોરો બેફામ
આખા વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી ઘી, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ અને દૂધના કુલ મળીને 3589 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 489 નમૂના લેબ ટેસ્ટિંગમાં નાપાસ થયા છે. સૌથી વધુ ઘી, બટર અને પનીર ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. પ્રોસેસ દૂધ અને લૂઝ દૂધના કુલ મળીને 66 સેમ્પલ ફેલ થયાં છે. આ ગંભીર ગુના સામે તંત્રએ 35.17 લાખ રૂપિયાનો દંડ વસૂલીને સંતોષ માની લીધો છે. સવાલ એ થાય છે કે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાં વિરુદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ કરાતી નથી.
તંત્રના આવા કૂણા વલણને કારણે જ ભેળસેણિયાઓ બેફામ બન્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3589 સેમ્પલ તો લઈ લીધા, પરંતુ 1096 સેમ્પલની તો ચકાસણી જ કરવામાં ન આવી! આ સેમ્પલ સરકારી કબાટોમાં ધૂળ ખાઈ રહ્યા છે. તપાસમાં આટલો વિલંબ એ સાબિત કરે છે કે કાં તો તંત્ર પાસે પૂરતા સાધનો નથી અથવા મિલાવટખોરોને છાવરવામાં આવી રહ્યા છે. જો સમયસર રિપોર્ટ જ ન આવે, તો ક્યાં સુધી જનતા ઝેરી ખોરાક ખાતી રહેશે?
પૈસાની ભૂખ પાછળ આ મિલાવટખોરો એટલા આંધળા થઈ ગયા છે કે, નાના બાળકો કે વૃદ્ધોના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી. ઘીમાં કેમિકલ અને પનીરમાં યુરિયા કે ડિટરજન્ટ મિક્સ કરનારા ભેળસેણિયા તત્વો સામે કડક પગલાં લેવાની કાયદામાં જોગવાઈ નથી પરિણામે આવા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. જો આ મામલે સરકાર કડક પગલાં નહીં ભરે તો, એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતનું દરેક ઘર બીમારીઓનું ઘર બની જશે.

