VIDEO: Ahmedabad / હવે પોલીસની જેમ મિનિટોમાં ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચશે, નવી સિસ્ટમનો એક-બે દિવસમાં અમલ
વિચારો કે 112માં ફોન કરો અને જેમ પોલીસની નજીકની પેટ્રોલિંગ વાન 4-5 મિનિટમાં જ ઘટનાસ્થળે આવી જાય તે રીતે ફાયર ફાઈટરની ગાડી આવી જાય તો? અમદાવાદમાં હવે આ શક્ય બનવા જઈ રહ્યું છે. શહેરમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં એક ટેકનોલોજીકલ બદલાવની તૈયારી પૂર્ણ દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત ફાયર વિભાગની 100 જેટલી ગાડીઓને GPS ટ્રેકરથી સજ્જ કરી નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે સાંકળી લેવામાં આવી છે, જેનાથી આગ કે અન્ય કોઈ પણ હોનારત સમયે રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આવનારા એક-બે દિવસમાં ફાયર વિભાગ અને 112ના અધિકારીઓ દ્વારા નવી સિસ્ટમનું સત્તાવાર લોન્ચિંગ પણ કરવામાં આવશે.
જૂની સિસ્ટમને તિલાંજલી, નવી વ્યવસ્થા થશે લાગુ
અગાઉ 101 કે 112 પર આવતા કોલને ફાયર કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરીને વાહનો રવાના કરવામાં કિંમતી મિનિટો વેડફાઈ જતી હતી. આ પરંપરાગત અને સમય માગી લેતી પ્રક્રિયાના વિકલ્પે હવે ફાયર વિભાગના 100 જેટલા ઇમરજન્સી વાહનોને GPS ટ્રેકર, ડિજિટલ ટેબલેટ અને હાઈટેક કેમેરા સિસ્ટમથી સજ્જ કરાયા છે. હવે 112 કંટ્રોલ રૂમની સ્ક્રીન પર જ ઘટનાસ્થળથી સૌથી નજીક રહેલા વાહનની લાઈવ પોઝિશન દેખાશે અને કોલ આવતાની સાથે જ નજીકના ફાયર ટેન્ડરના ડ્રાઈવરના ટેબલેટ પર લોકેશન, નેવિગેશન અને સૌથી ટૂંકા રસ્તાનો મેસેજ પહોંચી જશે.
જૂનો 101 નંબર પણ સંપૂર્ણપણે 112 પર ડાયવર્ટ થશે
પરિણામે, ફાયર સ્ટેશનથી ગાડી રવાના થાય તેની રાહ જોવાને બદલે રસ્તા પર ગસ્ત લગાવી રહેલું વાહન પણ સીધું જ ઘટનાસ્થળે રવાના થઈ શકશે. આ સિસ્ટમના સફળ અમલીકરણ બાદ હવે આવનારા દિવસોમાં જૂનો 101 નંબર પણ સંપૂર્ણપણે 112 પર ડાયવર્ટ કરી દેવાશે.
પાલડી કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ, 360 ડિગ્રી કેમેરાથી આગની સ્થિતિનું મૂલ્યાંકન થશે
અમદાવાદ ફાયર વિભાગના વાહનોની આગળ 360 ડિગ્રી કેમેરો અને પાછળ એક કેમેરો લગાવીને વાહનોને સજ્જ કરવામાં આવ્યા છે. આ હાઈટેક કેમેરા ટેક્નોલોજીના કારણે ફાયરની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચશે, ત્યારે પાલડી સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી સમગ્ર પરિસ્થિતિનું રિયલ-ટાઇમ નિરીક્ષણ કરી શકાશે. સ્થળ પર આગ કેટલી વિકરાળ છે, કેમિકલની છે કે સામાન્ય છે અને બચાવ કામગીરી માટે વધારાના સાધનોની જરૂર છે કે નહીં, તે કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ લાઈવ ફૂટેજ જોઈને જાણી શકશે.
સ્થિતિ ગંભીર જણાશે તો બીજા વાહનો દોડતા કરાશે
જો પરિસ્થિતિ ગંભીર જણાશે તો લાઈવ વિઝ્યુઅલ્સના આધારે પાલડી કંટ્રોલ રૂમથી જ તાત્કાલિક વધારાના વોટર ટેન્ડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ કે એમ્બ્યુલન્સ જેવાં વાહનો મોકલવાનું ઝડપી આયોજન ગોઠવવામાં આવ્યું છે. હાલ તમામ વાહનો પર કેમેરા લગાવી દેવાયા હોવાથી આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થશે.
આખી સિસ્ટમ કઈ રીતે કામ કરશે?
112 પર કોલ અને મેપિંગ: નાગરિક જેવો 112 નંબર ડાયલ કરશે કે તરત જ કંટ્રોલ રૂમની સ્ક્રીન પર બનાવનું લોકેશન અને તેની આસપાસ ગસ્ત લગાવી રહેલા કે સ્ટેશન પર ઊભેલા તમામ ફાયર વાહનોનું GPS લાઈવ દેખાશે.
ડ્રાઇવરના ટેબલેટ પર એલર્ટ: ફાયર વાહનમાં આપવામાં આવેલા ટેબલેટમાં સૌથી પહેલા લોગઈન કરવાનું રહેશે. કોલ મળતાં જ 112 કંટ્રોલ રૂમ દ્વારા બનાવના સ્થળથી સૌથી નજીક રહેલા વાહનના ડ્રાઇવરના ટેબલેટ પર તાત્કાલિક સંદેશો અને ઘટનાસ્થળનો સંપૂર્ણ ડેટા મોકલવામાં આવશે.
નેવિગેશન સાથે રૂટ ગાઇડન્સ: ટેબલેટમાં એલર્ટ આવતાની સાથે જ તેમાં સ્થળનું સરનામું, પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો અને લાઈવ GPS નેવિગેશન સ્ક્રીન પર ઊઘડી જશે.
સ્થળ પર પહોંચી લાઈવ ફીડ: ગાડી સ્થળ પર પહોંચતા જ 360 ડિગ્રી અને રિયર કેમેરાનું ઓટો-સ્ટ્રીમિંગ શરૂ થશે, જેથી પાલડી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં લાઈવ વિઝ્યુઅલ્સ દેખાવા લાગશે.
નવી ટેક્નોલોજીથી શહેરને શું ફાયદો થશે?
ગોલ્ડન અવરમાં ઝડપી રિસ્પોન્સ: 112 પરથી ફાયર કંટ્રોલ રૂમ અને ત્યાંથી સ્ટેશન વચ્ચે થતો કોલ-ટ્રાન્સફરનો સમય બચી જશે, જેથી ગાડીઓ મિનિટોમાં સ્પોટ પર પહોંચી શકશે.
નજીકનું વાહન સીધું જ પહોંચશે: સ્ટેશનથી ગાડી નીકળે તેની રાહ જોવાને બદલે ફિલ્ડ કે રસ્તા પર રહેલું સૌથી નજીકનું ફાયર ટેન્ડર સીધું ડાયવર્ટ કરી શકાશે.
રિયલ-ટાઇમ મોનિટરિંગ: પાલડી કંટ્રોલ રૂમ સ્થળની સ્થિતિ પોતાની આંખે જોઈ શકશે, જેથી અંદાજના બદલે ચોક્કસ વિઝ્યુઅલ્સના આધારે તાત્કાલિક વધારાનો કાફલો મોકલી શકાશે.
પારદર્શિતા અને ચોક્કસાઈ: દરેક વાહનની મુવમેન્ટ, પહોંચવાનો ચોક્કસ સમય અને સ્પોટ પરની કામગીરી કેમેરા તેમજ GPSમાં રજિસ્ટર થશે.

