Ahmedabad / CMના વિસ્તારમાં જ દારૂનો ખુલ્લેઆમ વેપલો, સ્થાનિક પોલીસની કામગીરી સામે ઊઠ્યા સવાલો

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ઠેક-ઠેકાણે બિનદાસ વેચાણ થઈ રહ્યું છે. નેતાઓ પણ દારૂબંધીનો કડક અમલ થતો હોય એવા નિવેદનો મોટા મોટા લઠ્ઠાકાંડ પછી આપે છે. સ્થાનિક પોલીસ દેખાડા પૂરતી ડ્રાઈવ કરીને સબ સલામત હોવાનો ડોળો કરે છે. ત્યારે હવે મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.
1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે મંજુબહેન ચુનારાના બંધ મકાનમાં તાળું તોડીને અંદર તપાસ કરતા દેશી દારૂ, ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળીને સહિત 1.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ફરાર આરોપી મહિલા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ રીતે રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં દારૂનો વેપલો થતો હતો તેની જાણ સ્થાનિક પોલીસને કથિત રીતે નહીં હોવાથી ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીને લીધે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.
બાતમીને આધારે મહિલા બુટલેગરના ઘરમાં દરોડા
મળતી માહિતી અનુસાર, બુધવારે (23મી સપ્ટેમ્બર) અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ ઘાટલોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે ઘાટલોડિયા ગામમાં રામદેવપીરના મંદિર સામે આવેલા સુર્યા ફ્લેટના ત્રીજા માળે રહેતા મંજુબહેન ચુનારા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે સંતાડીને રાખ્યો છે. આ માહિતીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા. મકાનને તાળું મારેલું હોવાથી કાયદેસરની પ્રક્રિયા કરીને પોલીસે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
રસોડામાં સંતાડેલો દારૂ બોટલ અને બીયરના ટીન મળ્યા
ઘરની અંદર તપાસ કરતા પોલીસને ગેરકાયદે દારૂનો જથ્થો મળ્યો હતો. એક રૂમમાં પ્લાસ્ટિકની 5 ડોલોમાંથી 124 થેલીઓમાં ભરેલો કુલ 62 લિટર દેશી દારૂ મળ્યો હતો. ત્યારબાદ રસોડામાં તપાસ કરતા ત્યાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન કુલ 576 નંગ મળ્યા હતા. પોલીસે 1,73,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી મંજુબહેન ચુનારા ઘરે હાજર હતા નહીં. આ ઉપરાંત મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

