VIDEO: ડુંગળી-ખાંડ બાદ લીંબુ પણ મોંઘા, 15 દિવસમાં ભાવ બમણા; જાણો ક્યારે મળશે રાહત
After Suger Lemon Price Hike : ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ સહિતની વસ્તુઓ બાદ હવે અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ પણ ભડકે બળ્યા છે. એક પખવાડિયા પહેલાં શહેરની છૂટક બજારમાં રૂ. 120ના કિલો મળતા લીંબુના ભાવ આજે 240થી 260 થઈ ગયા છે. જેના કારણે હવે લોકો નંગના ભાવે લીંબુ ખરીદતા થઈ ગયા છે! સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસામાં વધેલા ભાવે આશ્ચર્ય સર્જ્યું છે.
દાળ-શાકનો વઘાર જેના વગર અધૂરો છે, તેવા લીંબુના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ રૂ. 10થી 55 પ્રતિ કિલોનો હતો. જે આજે વધીને રૂ. 80થી 160 સુધી પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન લીંબુની આવક 6,710 ક્વિંટલ થઈ છે. વર્ષ 2025માં આ સમયમાં અમદાવાદ યાર્ડની આવક 10,608 ક્વિંટલ હતી. એટલે કે આવકમાં 3,898 ક્વિંટલનો મોટો ઘટાડો છે. જેના કારણે રોકેટ ગતિએ ભાવ વધ્યા છે.
બાકી સામાન્ય રીતે ચોમાસામાં લીંબુનો છુટક બજારનો ભાવ રૂ. 100 થી 120 રૂપિયાની આસપાસ જ હોય છે. કારણ કે સપ્ટેમ્બર 2025 માં જ લીંબુનો જથ્થાબંધ ભાવ 10 થી 45 સુધીનો જ રહ્યો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર અમદાવાદમાં આંધ્રપ્રદેશ, સહિતના દક્ષિણ ભારત તેમજ મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે વિસ્તારમાંથી લીંબુ આવે છે. તેના બદલે અત્યારે માત્ર રાજસ્થાનમાંથી લીંધુ આવી રહ્યા છે. આ સિવાય બધા સ્થળોએથી આવક બંધ છે.
કયા કારણે લીંબુના ભાવ વધ્યા?
બજાર તજજ્ઞો અને કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જ્યાંથી લીંબુ આવ છે તેવા વિસ્તારોમાં ત્યાંની જરૂરિયાત અનુસાર જ પાક થયો છે. જે ઉત્પાદન થાય છે, તે સ્થાનિક કક્ષાએ જ ખપી જાય છે. સતત ગરમી પડવાના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે. પરિણામે એક આવક ઘટી છે. જ્યારે વરસાદ ખેંચાતા ઉનાળા જેવા વાતાવરણના કારણે લીંબુનો વપરાશ અને માંગ વધી છે. આ બંને પરિબળો લીંબુના ભાવ ઝડપથી વધવા માટે જવાબદાર છે.
નવરાત્રિ પહેલા ભાવ ઘટનાની શક્યતા નહીવત્
લીંબુના વધેલા ભાવ નવરાત્રિ પહેલા ઘટવાની કોઇ શક્યતા નથી. કારણ કે ગુજરાતનો નવો પાક સામાન્ય રીતે ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં બજારમાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાંથી દશેરાની આજુબાજુ લીંબુની આવક શરૂ થતી હોય છે. આ નવી આવક શરૂ થયા બાદ જ લીંબુના ભાવ કાબુમાં આવશે. એટલે કે નવરાત્રિ સુધી ભાવ ઘટાડાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

