Indian Railways: મુસાફરો નોંધ લેજો! ડાંગરવા યાર્ડમાં એન્જિનિયરિંગ કામકાજને લીધે રેલવે ટ્રાફિક ખોરવાશે, જાણો કઈ ટ્રેનોના રૂટ બદલાયા

Indian Railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા મહેસાણા અને જગુદન સ્ટેશનો વચ્ચે તેમજ ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે ખાસ બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. બ્રિજ નંબર 972 અને 1013ના પુનઃનિર્માણ માટે આગામી 8 ફેબ્રુઆરીના રોજ આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફ આવતી ટ્રેનોના શેડ્યૂલ પર અસર પડશે.
આંશિક રદ્દ કરાયેલી ટ્રેનો: તા. 08.02.2026ના રોજ દોડનારી ટ્રેન સંખ્યા 20959/20960 (વલસાડ–વડનગર–વલસાડ એક્સપ્રેસ) ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. એટલે કે આ ટ્રેન વડનગર સુધી નહીં જાય, પરંતુ ગાંધીનગર કેપિટલ સુધી જ દોડશે.
માર્ગ પરિવર્તિત ટ્રેનો (Diverted Trains): બ્રિજના કામકાજને કારણે નિર્ધારિત મહેસાણા-આંબલિયાસણ-કલોલ માર્ગને બદલે નીચેની ટ્રેનો કટોસણ રોડ થઈને દોડશે:
યોગનગરી ઋષિકેશ–સાબરમતી એક્સપ્રેસ (19032): તા. 07.02.2026ના રોજ મહેસાણા–કટોસણ રોડ–કલોલના પરિવર્તિત માર્ગે ચાલશે.
દૌલતપુર ચોક–સાબરમતી એક્સપ્રેસ (19412): તા. 07.02.2026ના રોજ મહેસાણા–કટોસણ રોડ–કલોલના રસ્તે દોડશે.
રેલવે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના લાઈવ સ્ટેટસ અને લેટેસ્ટ અપડેટ્સ માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

