Ahmedabad news: રખડતા ઢોર, બિસ્માર રોડ, ટ્રાફિકની સમસ્યાને લઈ કન્ટેમ્ટ અરજી હાઈકોર્ટમાં સુનાવણી, ડ્રાઈવ ચાલુ રાખવા કોર્ટનો આદેશ

Ahmedabad news: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસ્માર રોડ, ટ્રાફિકની સમસ્યાને લઈ કન્ટેમ્ટ અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના હાર્દ સમા ભદ્રકાળી મંદિર આસપાસ દબાણ દૂર ન કરતા એનજીઓના લોકો દ્વારા અડચણ ઊભી કરવામાં આવી રહી હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગત 22 તેમજ 23 સપ્ટેમ્બરના રોજ ભદ્ર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભદ્રકાળી માતાનું મંદિર હોવાથી નવરાત્રીના સમયે આસપાસના વિસ્તારમાં ભીડ રહેતી હોય છે. ભીડ દૂર કરતી વેળા ફેરિયા અને સેવા એનજીઓના માણસો દ્વારા જપ્ત કરેલી વસ્તુઓ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. જેથી આ સમગ્ર ઘટનાનો વીડિયો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જો કે, કોર્ટે પ્રશ્ન કર્યો કે પોલીસ પ્રોટેક્શન વગર આ કામગીરી કરવામાં આવી હતી? જો આ રીતની અડચણ ઊભી કરવામાં આવી તો પોલીસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી કે નહિ તેવું કોર્ટે જણાવ્યું. ગત મહિને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરાવનાર અધિકારીના કામમાં અડચણ ઊભી કરનાર સામે કોર્ટ તિરસ્કારના પગલાં લેવાઈ શકે છે. આવા તત્વો પર અધિકારી કડક પગલાં લઈને સમગ્ર રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે તેવો આદેશ કર્યો છે. નવરાત્રીના સમયે નંબર પ્લેટ વગર અને બ્લેક ફિલ્મની ગાડી રોંગ સાઈડમાં આવતા વાહનો પર ડ્રાઈવ ચાલુ રાખવાની ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું.

