VIDEO: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, લોકો ફસાયા
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં સ્કૂલે જનારા બાળકો સહિત, નોકરિયાતો પણ ફસાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. ગઈકાલે રાતે પણ સારો એવો વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.
ક્યાં ક્યાં વરસાદ?
શહેરના SG હાઈવે, બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા, નહેરુનમગર, ગુરુકુળ, શાસ્ત્રીનગર, સોલા રોડ, નારાણપુરા, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. બીજી બાજુ સરખેજ, મકરબા, નારોલ, વટવા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.
ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો
બીજી બાજુ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. અમુક તો કંપનીઓની બસ બગડતાં નોકરિયાતો માટે મુસીબતની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે કંપની પહોંચે એ પહેલા જ તેઓ પલળી ગયા હતા. બીજી બાજુ સ્કૂલે જતા બાળકો પણ વર્ગમાં પહોંચે એ પહેલા જ પલડવાનો વારો આવ્યો હતો. ઘણા વાલીઓ સામે પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

