Gujaratમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આગામી 48 કલાકમાં ગરમીનું જોર વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ
ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યમાં ગરમીનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની સંભાવનાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.8 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજકોટમાં પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40.3 ડિગ્રી, કંડલા અને કેશોદમાં 40 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 39.6 ડિગ્રી, સુરત અને ભુજમાં 39 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી, દમણમાં 38.4, મહુવામાં 39.8, દીવમાં 38.5, પોરબંદરમાં 37.3 અને,ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે.

