Ahmedabad news: ચાંદખેડા ઢોસાકાંડમાં બે બાળકીના મોત અંગે પૂરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે

પોલીસે ઢોસાના ખીરા અંગે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી, આ મામલે પીઆઈએ જણાવ્યું કે, 'જો ખીરું ફ્રીજમાં હોય અને તેને રાંધતી વખતે ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા નાશ પામે છે. માત્ર ખીરું ખાટું થવાથી તે આટલું ઘાતક કે ઝેરી બની શકે નહીં. સાયન્ટિફિક પુરાવા કોઈ બહારની વ્યક્તિ તરફ ઈશારો નથી કરતા, જેનાથી શંકાની સોય પરિવાર તરફ જ મજબૂત બની રહી છે.'
જો આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન પરિવારના સભ્યો સત્ય નહીં સ્વીકારે, તો પોલીસ દ્વારા સત્ય બહાર લાવવા માટે કોર્ટની મંજૂરી મેળવી શંકાસ્પદોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. જો પરિવાર સામે ચોક્કસ પુરાવા મળશે, તો પોલીસ પોતે જ ફરિયાદી બનીને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં પોલીસ સાયન્ટિફિક રિપોર્ટ્સ અને ટેકનિકલ પુરાવાઓને જોડીને કડીઓ મેળવી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું.

