ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: હવે AI નહીં લખી શકે જજમેન્ટ, ન્યાયિક પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મૂકાયા મોટા પ્રતિબંધો
Gujarat High Court: આજના આધુનિક યુગમાં જ્યાં ટેક્નોલૉજી દરેક ક્ષેત્રમાં પગપેસારો કરી રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ન્યાયતંત્રની ગરિમા અને પારદર્શિતા જાળવવા માટે એક અદભુત અને સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, હવે રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક નિર્ણયો લેવા કે જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરી શકાશે નહીં.
શું કરી શકાશે અને શું નહીં?
હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન મુજબ, AIના ઉપયોગને લઈને સ્પષ્ટ સીમારેખા નક્કી કરવામાં આવી છે:
ક્યાં ઉપયોગ કરી શકાશે?
ન્યાયિક સંશોધન (Legal Research) માટે.
દસ્તાવેજોના ભાષાંતર (Translation) કરવા માટે.
વહીવટી અને એડમિનિસ્ટ્રેટિવ કામગીરીને સરળ બનાવવા માટે. ક્યાં પ્રતિબંધ છે? કોઈપણ કેસનું જજમેન્ટ (ચુકાદો) તૈયાર કરવા માટે.
પુરાવાનું મૂલ્યાંકન (Evaluation of Evidence) કરવા માટે.
માનવીય વિવેકબુદ્ધિ સર્વોપરી
હાઈકોર્ટે ભાર મૂક્યો છે કે ન્યાયિક પ્રક્રિયામાં માનવીય બુદ્ધિ અને સંવેદનાઓનું સ્થાન મશીન ન લઈ શકે. પુરાવાઓની ઝીણવટભરી તપાસ અને કાયદાકીય અર્થઘટન માટે ન્યાયાધીશની પોતાની સૂઝબૂઝ અનિવાર્ય છે. AI માત્ર એક સહાયક સાધન તરીકે કામ કરી શકે છે, પરંતુ તે અંતિમ નિર્ણય લેનાર 'જજ' બની શકે નહીં.
કડક કાર્યવાહીની ચેતવણી
હાઈકોર્ટની રજીસ્ટ્રીએ પરિપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો કોઈ પણ સ્તરે આ નીતિ કે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો સંબંધિત વ્યક્તિ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ તમામ ગૌણ અદાલતો અને હાઈકોર્ટના ન્યાયિક કામકાજને લાગુ પડશે.

