Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dengue outbreak in Ahmedabad; 496 cases reported in 20 days, AMC issues notice to 222 units for mosquito breeding, fine of Rs6.06 lakh

Ahmedabadમાં ડેન્ગ્યુનો કહેર; 20 દિવસમાં જ 496 કેસ નોંધાયા, મચ્છરોના બ્રીડિંગ બદલ AMCએ 222 એકમોને ફટકારી નોટિસ, ₹6.06 લાખનો દંડ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં ડેન્ગ્યુનો કહેર; 20 દિવસમાં જ 496 કેસ નોંધાયા, મચ્છરોના બ્રીડિંગ બદલ AMCએ 222 એકમોને ફટકારી નોટિસ, ₹6.06 લાખનો દંડ
સોર્સ : gstv

અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મચ્છરોના બ્રીડિંગને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની વેક્ટર બોર્ન ડીઝીઝ કંટ્રોલ શાખા દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. 22મી અને 23મી સપ્ટેમ્બર દરમિયાન બાંધકામ સાઇટ, સરકારી પરિસર અને અન્ય એકમો સહિત કુલ 1,298 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 146 એકમોમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું હતું. બેદરકારી બદલ 222 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 6.06 લાખ રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

App Store

પશ્ચિમ ઝોનમાં 232 એકમોનું ચેકિંગ કર્યું હતું. જેમાં 93 એકમોને નોટિસ આપી સૌથી વધુ 1.85 લાખ રૂપિયા વહીવટી ચાર્જ વસુલ્યો છે. ઉત્તર ઝોનમાં 231 એકમો ચકાસતા 22માં બ્રીડિંગ મળી આવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 122 એકમો તપાસ કર્યા હતા, જે પૈકી 13 જગ્યાએ બ્રીડિંગ મળ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં 13 એકમ, મધ્ય ઝોનમાં 20 એકમ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 એકમ અને દક્ષિણ ઝોનમાં 15 એકમમાં બ્રીડિંગ મળી આવ્યા હતા.

બાંધકામ સાઇટ પર પણ દંડાત્મક કામગીરી

કોર્પોરેશન દ્વારા નોટિસ અને દંડ ફટકારાયેલા મુખ્ય એકમોમાં નવરંગપુરા સ્થિત સેપ્ટ યુનિવર્સિટી, ગોતા સ્થિત કાગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયા કોલોનીમાં અદાણી સાઇટ/રમેશ રીયલ ઇન્ફ્રા, ચાંદલોડિયા સ્થિત એરિસ્ટો અવીરા સાઇટ, નવરંગપુરામાં સન એવેન્યુ કોમ્પ્લેક્સ અને એલ. એમ. ફાર્મસી કોલેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેડિયમ વિસ્તારમાં ગાંધીઆશ્રમ એન્ટ્રન્સ ગેટ બાંધકામ અને ગાંધીઆશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાંધકામ સાઇટ પર પણ દંડાત્મક કામગીરી કરાઈ છે.

અઠવાડિયામાં એક વખત પાણી ભરાયા હોય તેવા પાત્રો ખાલી કરી સુકવવા કોર્પોરેશનની અપીલ

તપાસ દરમિયાન કોમર્શિયલ, કન્સ્ટ્રક્શન અને અન્ય એકમોમાં ટેરેસ પર રાખેલા ભંગારમાં વરસાદી પાણી ભરાવાથી, ફૂલ-છોડના કુંડામાં, ઓવરહેડ તથા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, કમ્પાઉન્ડમાં પડેલી બાલદીઓ, ટાયરો, ખુલ્લી ટાંકીઓ અને ભંગારમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા છે.

કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યાનુસાર, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને પોરા ચેકિંગ માટે અધિકૃત એજન્સીઓની મદદ લઈ શકાય છે. શહેરની જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી કે અન્ય પાણી ભરાઈ રહેતું હોય તેવા પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી સૂકવવા અથવા તેવા પાત્રોનો નાશ કરવો. જરૂરી માહિતી અને જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુના કેસોમાં સપ્ટેમ્બરમાં વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ઓગસ્ટ 2026માં ડેન્ગ્યુના 361 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં જ 496 કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે સપ્ટેમ્બરનો મહિનો પૂરો થાય તે પહેલાં જ ઓગસ્ટ કરતાં 135 વધુ કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર 2026 સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 1,084 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ સમયગાળામાં મેલેરિયાના 386, ચિકનગુનિયાના 14 અને ફાઇલેરિયાના 69 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં દર્શાવવામાં આવ્યું છે.