Ahmedabad: RBIના નામે ઝિપ ફાઈલ મોકલી કૉમ્પ્યુટર હેક કર્યું, રિયલ એસ્ટેટ એજન્ટ સાથે 1.5 કરોડની ઠગાઈ

અમદાવાદમાં એક ઠગે રિયલ એસ્ટેટના એજન્ટને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની ખોટી નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને ઓફિસનું કોમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ ઠગે બોસના નામે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કરી 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહત્ત્વનું છે કે, RBIની નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને પહેલા એક રિયલ એસ્ટેટ એજન્ટની ઓફિસનું કોમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ હેકર્સે બોસના નામે જ નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી, એકાઉન્ટન્ટને મેસેજ કરીને છેતરપિંડીથી 1.5 કરોડ રૂપિયાની માતબર રકમ અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
બોડકદેવ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પ્રવિણ બવાડિયા સાથે આ છેતરપિંડી થઈ છે. તેઓ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકેનો વ્યવસાય કરે છે. ગત 23મી જૂને તેમના પર એક અજાણ્યા નંબર પરથી આરબીઆઈના નામે એક મેસેજ અને ઝિપ ફાઇલ આવી હતી, જે તેમણે ચેક કરવા માટે તેમના એકાઉન્ટન્ટને ફોરવર્ડ કરી હતી. આ ફાઇલ એકાઉન્ટન્ટે ઓફિસના કોમ્પ્યુટરમાં ખોલતા જ કોમ્પ્યુટરનો એક્સેસ હેકર્સ પાસે જતો રહ્યો હતો અને તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થઈ હતી.
અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઈલ એકાઉન્ટન્ટે ઓફિસના કોમ્પ્યુટરમાં વોટ્સએપ વેબ મારફતે ઓપન કરી હતી, જેથી સિસ્ટમ હેક થઈ ગઈ હતી. ત્યારબાદ સાયબર ઠગે બીજા જ દિવસે પ્રવીણ સર નામથી અને પ્રવિણના જ ડીપીવાળું એક નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો. ઠગે મેસેજમાં બેલાર ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી, પોતે મીટિંગમાં હોવાનું જણાવી તાત્કાલિક 1,50,00,000 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. બોસનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે RTGSથી 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. થોડીવારમાં બેન્કમાંથી ટ્રાન્ઝેક્શનનો મેસેજ પ્રવિણભાઈના મોબાઈલ પર આવતા અને તેમણે એકાઉન્ટન્ટ સાથે વાત કરતા આ સમગ્ર છેતરપિંડી અંગે જાણ થઈ હતી.

