અસલાલીમાં બુટલેગરના ઘરમાં દરોડા, ₹2.58 લાખનો વિદેશી દારૂ અને બિયર જપ્ત

અમદાવાદના અસલાલીમાં ચાલતા દારૂના વેપલાનો ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. જેમાં નવાપુરાના ચુનારા વાસમાં રહેતા એક શખસના મકાનમાં રેઇડ પાડીને ઘરમાં ચોરખાનું બનાવીને સંતાડેલો રૂપિયા 2.58 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને બુટલેગરને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરમાં સ્થાનિક પોલીસના ડર ગાયબ
સ્થાનિક પોલીસે ગત ફેબ્રુઆરીમાં 17 બિયર અને 14 દારૂની બોટલ, એપ્રિલમાં એક પેટીનો કેસ અને મે મહિનામાં 10 બોટલનો કેસ કર્યો હતો. છતાં બુટલેગર સ્થાનિક પોલીસના ડર વગર બિન્દાસ દારૂનો વેપલો કરતો હતો. જેની બાતમી મળતા ગ્રામ્ય LCBએ દરોડા પાડ્યા હતા.
સીડી પાસે એક ગુપ્ત ખાનું દેખાયું
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય LCBનો સ્ટાફ અસલાલીના નવાપુરા પ્રાથમિક શાળા પાસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, નવાપુરાના ચુનારા વાસમાં રહેતો વિજય અમરતભાઈ ચુનારા પોતાના બે માળના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરે છે. આ પછી પોલીસે આરોપીના મકાનમાં દરોડા પાડતા મકાનમાં રસોડામાંથી ઉપરના માળે જવાની સીડી પાસે એક ગુપ્ત ખાનું બનાવેલું મળી આવ્યું હતું.
પોલીસે મકાનમાં સીડી પાસેના ચોરખાનામાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 824 નંગ બોટલ અને ટીન નીકળ્યા હતા. દરોડા સમયે આરોપી વિજય ચુનારા ઘરે જાહર નહોતો. બુટલેગર સ્થાનિક વિસ્તારમાં ક્યારથી ધંધો ચલાવતો હતો અને કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

