VIDEO: ગુજરાતના રાજકારણમાં ફરી ભૂકંપ? શંકરસિંહ વાઘેલાને લઈને ભરતસિંહ સોલંકીનું સૌથી મોટું નિવેદન!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ એક મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન આપ્યું છે. તેમણે દેશ અને રાજ્યમાં બંધારણીય મૂલ્યોની રક્ષા માટે તમામ પક્ષો અને આગેવાનોને એક મંચ પર આવવાની ખુલ્લી અપીલ કરી છે.
અમદાવાદ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારો મુખ્ય હેતુ દેશમાં ધર્મનિરપેક્ષ, લોકશાહી અને બંધારણીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા તમામને એકસાથે લાવવાનો છે. આપણે સૌ સાથે મળીને જ ભાજપ જેવી સરમુખત્યાર પક્ષને જડબાતોડ જવાબ આપી શકીશું, જે સમગ્ર દેશને ગેરમાર્ગે દોરીને બરબાદ કરી રહી છે."
શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ વચ્ચેના સમીકરણોને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે ભરતસિંહના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપ સામે એક મોટો વિપક્ષી મોરચો ઊભો કરવાના સંકેત આપતા તેમણે બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે સૌને મતભેદો ભૂલી એક થઈ લડત આપવા આહ્વાન કર્યું હતું.

