પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી!, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ) ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. નવ વર્ષના લાંબા સમય બાદ તેમની કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારીઓ ચાલી રહી હોવાની પુષ્ટિ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.
હાઈકમાન્ડ સાથે ચર્ચા અંતિમ તબક્કામાં
શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા આંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'શંકરસિંહ વાઘેલા સહિત અન્ય કેટલાક અગ્રણી નેતાઓને પક્ષમાં આવકારવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. હાઇકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.'
વધુમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં પણ ઘણા બધા લોકો ભાજપની સામે એક જૂથ થઈ કોંગ્રેસ જ એક જ વિકલ્પ છે તેવા નિર્ણય સાથે કોંગ્રેસમાં જોડાવા માટે વાતચીત ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલા પણ ભાજપની નીતિઓ સામે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યા છે અને લડત લડી રહ્યા છે. તેમની પાર્ટી પણ છે અને તેના લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે. આગામી સમયમાં ભાજપની જે તાનાશાહી છે તેની સામે તમામ તાકાતો એક થઈ 2027માં પરિવર્તન લાવવાનો સંકલ્પ લઈ સાથે મળીને ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ ઘણાં લોકો અને નેતાઓ કોંગ્રેસ સાથે એક મંચ પર જોવા મળશે.'
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2017માં પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પક્ષમાં મોટું વિભાજન સર્જ્યું હતું. હવે 9 વર્ષ જેટલા લાંબા સમય બાદ ફરી એકવાર તેમની કોંગ્રેસમાં વાપસી થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર
|
વર્ષ
|
|
|
1960–70s
|
RSS પ્રચારકથી શરૂઆત, જનસંઘમાં સક્રિય થઈ સંગઠન ઊભું કર્યું.
|
|
1977
|
કપડવંજ બેઠક પરથી પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા.
|
|
1980–84
|
ભાજપના સ્થાપક સભ્ય, 1984માં રાજ્યસભા સાંસદ બન્યા.
|
|
1989–91
|
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ફરી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા.
|
|
1995
|
ભાજપ સામે 47 ધારાસભ્યો સાથે બળવો ('ખજૂરાહો કાંડ').
|
|
1996–97
|
'રાજપા'ની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
|
|
1998
|
'રાજપા'નું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું.
|
|
2004–09
|
મનમોહન સિંહ સરકાર (UPA-1)માં કેન્દ્રીય કાપડ મંત્રી બન્યા.
|
|
2012–17
|
કપડવંજથી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા.
|
|
2017
|
રાજ્યસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ છોડી 'જનવિકલ્પ મોરચો' બનાવ્યો.
|
|
2019
|
NCPમાં જોડાઈ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા (2020માં રાજીનામું).
|
|
2024
|
'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી'ની જાહેરાત કરી.
|
|
2026
|
9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં ઘરવાપસીની પ્રક્રિયા તેજ.
|

