VIDEO: ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં મોટો વધારો, હવે 1.2 કિમીના જ ચૂકવવા પડશે આટલા રૂપિયા!
અમદાવાદ શહેરમાં દૈનિક મુસાફરી કરતા લાખો લોકો અને રિક્ષાચાલકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે અમદાવાદમાં ઓટોરિક્ષાના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે અને આ નવા દરોનો અમલ પણ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
શું છે નવું ભાડું?
નવા સુધારેલા ભાડા મુજબ, હવે મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટરના અંતર માટે 20 રૂપિયાના બદલે 25 રૂપિયા ચૂકવવા પડશે. આ વધારા બાદ આગળના પ્રતિ કિલોમીટર દીઠ દરમાં પણ તે મુજબ ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે. ભાડામાં આ ફેરફાર બાદ હવેથી મુસાફરી કરવી થોડી મોંઘી બનશે.
રિક્ષાચાલકોનો પ્રતિભાવ અને મૂંઝવણ
સરકારના આ નિર્ણયને રિક્ષાચાલકોએ આવકાર્યો છે અને તેને વર્તમાન સમયમાં ખૂબ જરૂરી ગણાવ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોંઘવારી, વાહનોના પાર્ટ્સના વધતા ભાવ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ખર્ચ સામે જૂના ભાડામાં ગુજરાત ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું.
આ રાહત વચ્ચે પણ રિક્ષાચાલકોમાં એક ડર અને મૂંઝવણ જોવા મળી રહી છે. તેમને ચિંતા છે કે ભાડું વધવાથી સામાન્ય મુસાફરો રિક્ષા સેવાઓનો ઉપયોગ ઘટાડી દેશે અથવા અન્ય જાહેર પરિવહન તરફ વળી જશે, જેનાથી તેમની દૈનિક આવક પર અસર પડી શકે છે.
CNGના ભાવ ન વધારવા માંગ
ભાડા વધારાની સાથે જ રિક્ષાચાલક યુનિયનો અને ચાલકોએ સરકાર સમક્ષ કડક માંગ કરી છે કે હવે આગામી સમયમાં CNG ગેસના ભાવમાં કોઈ વધારો કરવામાં ન આવે. જો CNGના ભાવ ફરી વધશે, તો ભાડા વધારાથી મળલી આ રાહત પણ એળે જશે.
મુસાફરોના ખિસ્સા પર બોજ
એક તરફ જ્યાં આ નિર્ણયથી રિક્ષાચાલકોને થોડી આર્થિક રાહત મળશે, તો બીજી તરફ દરરોજ નોકરી-ધંધા કે અભ્યાસ અર્થે ઓટોરિક્ષામાં મુસાફરી કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પર સીધો વધારાનો બોજ પડશે.

