ગ્રાહકોના ખિસ્સા ખંખેર્યા: મિનિમમ બેલેન્સના નામે બેંકોએ 4 વર્ષમાં વસૂલ કર્યો ₹26 હજાર કરોડથી વધુનો દંડ

જો તમારા સેવિંગ્સ કે કરંટ બેંક એકાઉન્ટમાંથી (Bank Account) ક્યારેય તમારી જાણ બહાર રૂપિયા કપાઈ ગયા હોય, તો તે એકાઉન્ટમાં ન્યૂનતમ સરેરાશ બેલેન્સ (Minimum Average Balance - MAB) ના જાળવવા બદલ લાગેલો દંડ (Penalty) હોઈ શકે છે. કેન્દ્ર સરકારે સંસદમાં (Parliament) ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં (FY23-FY26) દેશની બેંકોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ના રાખવા બદલ ₹૨૬,૧૭૦ કરોડથી પણ વધુ રકમ દંડ પેટે વસૂલી છે.
નાણા રાજ્ય મંત્રી (Minister of State for Finance) પંકજ ચૌધરીએ રાજ્યસભામાં (Rajya Sabha) એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (FY26) માં જ બેંકોએ ₹૭,૦૮૬.૬૩ કરોડની પેનલ્ટી વસૂલ કરી હતી. જેમાં ખાનગી બેંકોનો (Private Banks) હિસ્સો સૌથી વધુ રહ્યો છે.
પ્રાઈવેટ બેંકોમાં HDFC અને Axis બેંક સૌથી આગળ (Private Banks Data)
સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કુલ વસૂલાયેલા ₹૭,૦૮૬ કરોડમાંથી ખાનગી બેંકોએ ₹૪,૯૪૮.૭૧ કરોડ વસૂલ્યા હતા, જ્યારે જાહેર ક્ષેત્રની સરકારી બેંકોએ (Public Sector Banks - PSBs) ₹૨,૧૩૭.૯૨ કરોડ વસૂલ્યા હતા.
ખાનગી બેંકોમાં દંડ વસૂલવાના મામલે:
HDFC Bank: ₹૧,૭૯૮.૧૪ કરોડ વસૂલીને પ્રથમ ક્રમે રહી.
Axis Bank: ₹૧,૦૮૧.૩૩ કરોડની પેનલ્ટી સાથે બીજા ક્રમે રહી.
આ બંને બેંકોએ મળીને જ ખાનગી બેંકો દ્વારા વસૂલાયેલા કુલ દંડનો લગભગ ૫૮% હિસ્સો એકત્ર કર્યો છે. આ ઉપરાંત ICICI બેંકે ₹૩૫૩.૫૦ કરોડ, કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank) ₹૨૯૦.૬૫ કરોડ, યસ બેંકે (YES Bank) ₹૧૯૫.૦૫ કરોડ અને IDBI બેંકે ₹૧૭૫.૧૫ કરોડનો દંડ ગ્રાહકો પાસેથી વસૂલ કર્યો છે.
સરકારી બેંકોની સ્થિતિ અને SBI નો સ્પષ્ટપોઇન્ટ (Public Sector Banks)
જાહેર ક્ષેત્રની બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (State Bank of India - SBI) ₹૪૭૭.૨૭ કરોડની સૌથી વધુ પેનલ્ટી નોંધાવી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે SBI દ્વારા વસૂલાયેલી આ રકમ માત્ર કરંટ એકાઉન્ટ્સ (Current Accounts) સાથે સંબંધિત છે, કારણ કે માર્ચ ૨૦૨૦ થી SBI એ સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account) પર મિનિમમ બેલેન્સ ના રાખવાની પેનલ્ટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.
SBI બાદ બેંક ઓફ બરોડાએ (Bank of Baroda - BoB) ₹૩૯૪.૧૦ કરોડ અને ઈન્ડિયન બેંકે (Indian Bank) ₹૨૯૯.૧૭ કરોડનો દંડ વસૂલ્યો હતો.
૧૦ સરકારી બેંકોએ ચાર્જ નાબૂદ કર્યો, જનધન ખાતાધારકોને મોટી રાહત
ગ્રાહકો માટે રાહતના સમાચાર આપતા સરકારે જણાવ્યું હતું કે દેશની ૧૨ સરકારી બેંકોમાંથી ૧૦ બેંકોએ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ના રાખવા બદલ લાગતો દંડ સંપૂર્ણપણે રદ કરી દીધો છે.
આ ઉપરાંત, જો તમારી પાસે બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) અથવા પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ ખોલવામાં આવેલું ખાતું હોય, તો તમારે મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી. દેશમાં આ પ્રકારના આશરે ૭૩ કરોડ ખાતાઓ છે, જેના પર કોઈ પેનલ્ટી લાગતી નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) નિયમો મુજબ, બેંકો પોતાના બોર્ડની મંજૂરીથી ચાર્જ નક્કી કરી શકે છે, પરંતુ દંડ લગાવતા પહેલા ગ્રાહકોને એસએમએસ (SMS), ઈમેઈલ (Email) કે અન્ય માધ્યમોથી સૂચના આપવી અને બેલેન્સ પૂરું કરવાનો સમય આપવો ફરજિયાત છે.

