VIDEO: અમદાવાદમાં ચોમાસામાં રસ્તાની હાલત બિસ્માર, પોણા બે મહિનામાં શહેરના માર્ગો પર 4992 થીગડાં લગાવવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં ચોમાસાના પહેલા જ વરસાદથી જ રસ્તા તૂટવા માંડે છે. તેમાંય આ વખતે ભારે વરસાદના કારણે તો અસરગ્રસ્ત વિસ્તારના રોડની હાલત બગડી ગઈ હતી. તેવામાં છેલ્લા પોણા બે મહિનામાં શહેરના માર્ગો પર 4992 થીગડાં લગાવવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલના એન્જિનિયર વિભાગે જણાવ્યું છે. સામાન્ય પદ્ધતિથી પૂરવામાં આવતા ગાબડા ઉપરાંત મ્યુનિસિપલ દ્વારા બે અદ્યતન પદ્ધતિનો જેટ પેચર્સ અને ઈન્ફ્રારેડ ટેકનોલોજીનો ઉપયોગ પણ થાય છે. આ બંને ટેકનોલોજીથી લગાવેલા થીગડાંનું કુલ ક્ષેત્રફળ 12.3 ચોરસ કિલોમીટરનો વિસ્તાર મઢી શકાય એટલું થાય છે.
ખાડા પૂરવા 10 હજાર મેટ્રિક ટન હોટ મિક્સ અને 4837 બેગ કોલ્ડ મિક્સ વપરાયું
અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાના પ્રારંભથી ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 5005 પોટહોલ્સ એટલે કે નાના મોટા ખાડા પડ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગના ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 894 અને પશ્ચિમ ઝોનમાં 834 પોટહોલ્સ નોંધાયા છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા માત્ર 450 ખાડા જ રસ્તા પર પડ્યાં છે.
આ ખાડા પૂરવા માટે જેટ પેચર્સ અને ઈન્ફ્રારેડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેટ પેચર્સ દ્વારા કુલ 12,024 ચોરસ મીટર તથા ઈન્ફ્રારેડ દ્વારા 290 ચોરસ મીટર થીગડા લગાવવામાં આવ્યા છે. આ બંને અદ્યતન ટેકનોલોજીથી કરવામાં આવેલા સાંધાનું કુલ ક્ષેત્રફળ 12.3 ચોરસ કિલોમીટરથી વધારે થાય છે. બીજી તરફ રસ્તાના ખાડા પૂરવા માટે 10 હજાર મેટ્રિક ટનથી વધારે હોટ મિક્સ મટિરિયલ તેમજ 25 કિલોની એક એવી 4,837 બેગ કોલ્ડ મિક્સ મટિરિયલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મટિરિયલ દ્વારા હાથથી પરંપરાગત પદ્ધતિ અનુસાર ખાડા પૂરાયા છે.

