VIDEO: Ahmedabad/ વહેલી સવારે માત્ર 1 કલાકમાં મેઘતાંડવ: થલતેજમાં 1.69 ઇંચ અને સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ ખાબક્યો
Ahmedabad Rain Updates : અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં શહેરમાં સૌથી વધુ વરસાદ સાયન્સ સિટીમાં 0.55 ઇંચ, કઠવાડામાં 0.47 ઇંચ અને સરખેજમાં 0.43 ઇંચ નોંધાયો છે. જ્યારે આજે વહેલી સવારે 6થી 7 વાગ્યાના માત્ર એક જ કલાકમાં થલતેજમાં સૌથી વધુ 1.69 ઇંચ અને સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા આ વરસાદને પગલે અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 19.85 ઇંચ નોંધાઈ ચૂક્યો છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારના સમયે ભારે વરસાદ જોવા મળ્યો હતો. સવારે 6થી 7 વાગ્યા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયામાં 1.08 ઇંચ, મેમનગરમાં 1.04 ઇંચ અને બોડકદેવમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ ઝોનના રાણીપમાં 0.77 ઇંચ અને ઉસ્માનપુરામાં 0.59 ઇંચ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બોપલ અને મક્તમપુરા જેવા વિસ્તારોમાં પણ 0.41 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ સહિત તમામ ઝોનમાં સારો વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
શહેરમાં વરસી રહેલા આ સારા વરસાદને કારણે સિઝનનો સરેરાશ વરસાદ 55.14 ટકાએ પહોંચી ગયો છે. વરસાદના પાણીના યોગ્ય નિકાલ અને નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજ ખાતે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં વાસણા બેરેજની સપાટી 123.00 ફૂટ નોંધાઈ છે. સંત સરોવરમાંથી 2,083 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નદીમાં 2,252 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણીના નિકાલ માટે વાસણા બેરેજ ખાતે 25થી 28 નંબરના એમ કુલ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.
આજે સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા 10 વિસ્તારો
થલતેજ: 1.69 ઇંચ
સાયન્સ સિટી: 1.67 ઇંચ
ચાંદલોડિયા: 1.08 ઇંચ
મેમનગર: 1.04 ઇંચ
બોડકદેવ: 1.02 ઇંચ
રાણીપ: 0.77 ઇંચ
બાકરોલ: 0.71 ઇંચ
અસારવા: 0.61 ઇંચ
ઉસ્માનપુરા: 0.59 ઇંચ
જોધપુર: 0.57 ઇંચ
અમદાવાદમાં ભારે વરસાદને લીધે શાળાઓને સ્થાનિક સ્થિતિ મુજબ નિર્ણય લેવા DEO નો આદેશ
અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (પૂર્વ અને પશ્ચિમ) દ્વારા શાળાઓ માટે સૂચના જારી કરવામાં આવી છે. આદેશ મુજબ, જે શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે, ત્યાંના સંચાલકો અને આચાર્યોને સ્થાનિક પરિસ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા જણાવાયું છે. ખાસ કરીને જો વિદ્યાર્થીઓના ઘરે પરત ફરવાના માર્ગો પર પાણી ભરાવાની કે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા હોય, તો વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે.
શિક્ષણાધિકારીની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે જો શાળા પ્રશાસન વિદ્યાર્થીઓને વહેલા રજા આપવાનો નિર્ણય લે છે, તો વાલીઓને તાત્કાલિક જાણ કરવાની રહેશે અને બાળકો સુરક્ષિત ઘરે પહોંચે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે. દરેક વિસ્તારની પરિસ્થિતિ અલગ હોવાથી, શાળા સંચાલકોને વાલીઓમાં ગભરાટ કે અગવડતા ન સર્જાય તે રીતે જવાબદારીપૂર્વક નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતી સર્વોપરી છે.

