Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : ahmedabad rathyatra security elephants to get gps 360 degree cameras sound sensors

રથયાત્રા / 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જાણો કેમ?

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
રથયાત્રા / 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જાણો કેમ?
સોર્સ : GSTV
Ahmedabad Rathyatra Security: અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે આ વર્ષે એક અત્યંત આધુનિક અને ટેકનોલોજી આધારિત નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર રથયાત્રામાં જોડાનારા તમામ 18 ગજરાજો પર GPS ટ્રેકિંગ ડિવાઈસ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ હાઈટેક ઉપકરણોની મદદથી પોલીસ કંટ્રોલ રૂમમાં બેસીને જ હાથીઓની હિલચાલ અને તેમની આસપાસની ભીડ પર પળેપળની નજર રાખી શકાશે.
App Store
 

રૂટ બદલાશે તો કંટ્રોલ રૂમમાં વાગશે એલર્ટ

 
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન લાખોની જનમેદની વચ્ચે હાથીઓ ભડકવાના કે અન્ય કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. દરેક હાથીની અંબાડી પર એક ખાસ GPS ટ્રેકર ફિટ કરવામાં આવશે. જો કોઈ હાથી નિયત કરાયેલા રૂટ પરથી જરા પણ ફંટાશે અથવા તેની ગતિમાં અસામાન્ય ફેરફાર જણાશે, તો પોલીસ કંટ્રોલ રૂમમાં તાત્કાલિક ઓટોમેટિક એલર્ટ મેસેજ પહોંચી જશે, જેથી સુરક્ષાકર્મીઓ એક્શનમાં આવી શકે.
 

360 ડિગ્રી કેમેરાથી લાઈવ નજર

 
માત્ર લોકેશન જ નહીં પણ હાથીઓની આસપાસ શું ચાલી રહ્યું છે તે જોવા માટે 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઈવ ફીડ સીધું પોલીસ કંટ્રોલ રૂમ સ્ક્રીન પર જોઈ શકાશે. આનાથી કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ હાથીઓની વર્તણૂક અને તેની આસપાસ એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓના ટોળાનું લાઈવ મોનિટરિંગ કરી શકશે.
 

હાથીઓ ભડકે નહીં તે માટે 'ડેસિબલ' પર વોચ

 
ભીડમાં થતા પ્રચંડ અવાજ, ડીજે અથવા ફટાકડાના કારણે ઘણીવાર મૂંગા પશુઓ તણાવમાં આવી જતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અંબાડી પર સાઉન્ડ-લેવલ મોનિટરિંગ ડિવાઈસ (અવાજ માપક યંત્ર) પણ લગાવવામાં આવશે. જો અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતા વધશે, તો તંત્રને વહેલી ખબર પડી જશે કે કયા ભાગમાં હાથીઓ માટે અસ્વસ્થતા ઊભી થઈ શકે તેમ છે.
 

સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે: ક્રાઈમ બ્રાન્ચ

 
આ હાઈટેક પ્રોજેક્ટ અંગે વિગતો આપતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'GPS, લાઈવ કેમેરા ફીડ અને સાઉન્ડ મોનિટરિંગ ટેકનોલોજીના સમન્વયથી પોલીસ કોઈ પણ અસાધારણ પરિસ્થિતિમાં અત્યંત ઝડપથી પ્રતિભાવ આપી શકશે. આનાથી રથયાત્રાના ઓવરઓલ સિક્યુરિટી મેનેજમેન્ટને વધુ મજબૂતાઈ મળશે.'
 
ગુજરાતના આ સૌથી મોટા ધાર્મિક મહોત્સવમાં જનમેદનીની સુરક્ષાની સાથે સાથે ગજરાજોની સુરક્ષા અને સુખાકારી જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસનું આ આયોજન છે.
 

ગત રથયાત્રામાં ગજરાજ થયા હતા બેકાબૂ

 
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબુ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતાં આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેવામાં પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી મચી ન હતી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો.