Ahmedabad news: સાણંદમાં ટ્રોલી બેગમાંથી પુરુષનો મૃતદેહ મળવાનો કેસ ઉકેલાયો, જાણો આખો મામલો

Ahmedabad news: અમદાવાદ જિલ્લાના સાણંદના પાંજરાપોળ પાસે આશરે બે મહિના પહેલા એક ટ્રોલી બેગમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં સાણંદ પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ટાટા મોટર્સમાં નોકરી કરતો હતો. બિહારમાં તેની પાસે મોટા પ્રમાણમાં મિલકતો હોવાથી તેની સાથે કામ કરતા સહકર્મીઓએ તેનું અપહરણ કરીને 15 લાખની ખંડણી માંગી હતી. પરંતુ, મૃતકે નાણાં આપવાની ના કહેતા તેની હત્યા કરીને લાશને ટ્રોલી બેગમાં ભરીને ફેકી દેવામાં આવી હતી. આ અંગે સાણંદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદના મક્તિધામ પાસે આવેલા પાંજરાપોળ પાસેની જમીન પર ગત 10મી જૂનના રોજ પોલીસને એક ટ્રોલી બેગમાં છુપાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અનુસંધાનમાં સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ જી રાઠોડે તપાસ શરૂ કરી ત્યારે માહિતી મળી હતી કે ટાટા મોટર્સમાં કામ કરતો નિરજંન શર્મા નામનો કર્મચારી ઘણા દિવસોથી ગુમ છે અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઑફ છે. જેથી પોલીસે પાંજરાપોળ પાસેથી મળી આવેલા મૃતદેહના કપડાં અને અન્ય સાંયોગિક પુરાવા સાથે લાપતા યુવક અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મળી આવેલો મૃતદેહ નિરજંન શર્માનો હતો.
ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો
શ્વાસ રૂંધીને તેની હત્યા કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળતા ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક સૂત્રોની મદદથી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હત્યાના આગળના દિવસે તેના ત્રણ મિત્રો રવિ, સન્ની અને સોનલકુમાર નામના મિત્રો સાથે હતો. જે ટાટા મોટર્સમા નોકરી કરતા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે ત્રણેય જણા 10 જૂન બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમના ફોન સ્વીચ ઑફ હતા. જેથી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને રવિ રાય (રહે. ગઢિયા કોલોની, પીજી, સાણદ) અને સોનલકુમારને ઝડપી લીધા હતા.
પોલીસે બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નિરંજન શર્માની બિહારમાં જમીન-મકાન સહિતની મિલકતો હતી. જેથી રવિ અને સોનલકુમારે તેમના મિત્ર સન્ની મંડલ સાથે મળીને નિરંજન શર્માનું અપહરણ કરીને તેની પાસેથી લાખોની ખંડણી માંગવાનું નક્કી કર્યું હતું અને 9મી જૂનના રોજ તેનું અપહરણ કરીને રૂમ પર લઈ જઇને તેને બાંધવાનો પ્રયાસ કરીને 15 લાખની ખંડણી માંગી હતી. પરંતુ, નિરંજને નાણાં આપવાની ના કહેતા સન્નીએ ઓશિકાથી તેનું મોં દબાવીને હત્યા કરી હતી. બાદમાં લાશને એક ટ્રોલી બેગમા સંતાડીને સગેવગે કરવાના ઇરાદે સાણંદમાં ખુલ્લી જમીનમાં ફેંકી દીધી હતી. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

