Ahmedabad news: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, ક્રિકેટ સટ્ટાબાજી મામલે બે શખ્સોની ધરપકડ

અમદાવાદ પોલીસે મંગળવારે (12મી મે) મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબાજીના બે અલગ-અલગ કેસ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી સ્ટેડિયમની અંદર બેસીને જ સટ્ટો રમતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
સ્ટેડિયમમાં લાઇવ મેચ દરમિયાન ધરપકડ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બ્લોક-K માં બેઠેલા એક શખ્સ પર પોલીસની નજર પડી હતી. આરોપીની ઓળખ ખેડા જિલ્લાના સેવાલિયાના 30 વર્ષીય તોસિફ પોરા તરીકે થઈ છે. આરોપી સ્ટેડિયમની સીટ નંબર 40 પર બેસી મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા સટ્ટો રમતો હતો. પોલીસે તેની પાસેથી 25,000 રૂપિયાનો મોબાઈલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પંચમહાલના કમલકુમાર રમેશભાઈ પટેલ પાસેથી 42,000 રૂપિયામાં સટ્ટાબાજીની આઇડી ખરીદી હતી.
વસ્ત્રાલમાં વેબસાઇટ આધારિત સટ્ટાબાજી
રામોલ પોલીસ સ્ટેશનની ટીમે મળેલી બાતમીના આધારે રાત્રે 1 વાગ્યે દરોડો પાડી ઓનલાઇન સટ્ટો રમનારા 27 વર્ષીય રોનકસિંહ બોડાણાની અટકાયત કરી હતી. આ આરોપી “ALLPANEL247.COM” નામની વેબસાઇટ દ્વારા લાઇવ આઇપીએલ મેચો પર સટ્ટો લગાવતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 20,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 12(A) હેઠળ ગુનો નોંધ્યો છે.અમદાવાદ પોલીસે બંને કેસમાં ગુજરાત જુગાર કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સટ્ટાબાજીના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આ ઓનલાઇન સિન્ડિકેટ પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

