અમદાવાદમાં આવતીકાલે 25 જુલાઈ શાળા-કોલેજોમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવતીકાલે તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રજા દરમિયાન વિદ્યાર્થીઓને અનાવશ્યક બહાર ન નીકળવા અને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
પ્રશાસન દ્વારા પણ નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

