VIDEO: અમદાવાદ: વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15 ઇજાગ્રસ્ત
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શનિવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં 8થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત થયા હોવાની આશંકા છે, જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.
5 ગાડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારના રામોલ-ગતરાડ રોડ પર આવેલી 'મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરી'માં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ફટાકડાનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ, અસલાલી-મીની ફાઇટર, ગજરાજ વાહન અને એમ્બ્યુલન્સ સહિતનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઇજાગ્રસ્તોને સિવિલ અને એલજી હોસ્પિટલ ખસેડાયા
આ ભયાનક દુર્ઘટનામાં દાઝી ગયેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 5 દર્દીઓને તાત્કાલિક એલજી હોસ્પિટલ અને 4 લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને પણ નજીકની હોસ્પિટલોમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ફેક્ટરી માલિક સામે કાયદાકીય સકંજો
આ ફેક્ટરી મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રહેણાંક કે બિનઅધિકૃત વિસ્તારમાં સુરક્ષાના પૂરતા સાધનો વિના ફટાકડાની ફેક્ટરી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ ગંભીર બેદરકારી બદલ ફેક્ટરી સંચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો (ગંભીર ગુનો) દાખલ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

