શતરંગ / વિશ્વનું સહુથી ટૂંકું યુધ્ધ
- યુદ્ધગાથા ‘મીની’ યુધ્ધ ખરેખર કેટલો સમય ચાલેલું! આડત્રીસ, ચાળીસ કે પિસ્તાળીસ મિનિટ? માનવ ઈતિહાસમાં યુધ્ધો સા

- યુદ્ધગાથા
‘મીની’ યુધ્ધ ખરેખર કેટલો સમય ચાલેલું! આડત્રીસ, ચાળીસ કે પિસ્તાળીસ મિનિટ?
માનવ ઈતિહાસમાં યુધ્ધો સામાન્ય છે. જે પણ કઈ ઈતિહાસ આપણે જાણીએ છીએ, તે આખા ઈતિહાસમાં યુધ્ધની ઘટનાઓ ઠેરઠેર નોંધાયેલી છે. એક તરફ વર્ષો, દાયકાઓ કે સદીઓ સુધી ચાલેલા યુધ્ધો છે. બીજી તરફ એક કલાક કરતાં પણ ઓછાં સમયની અવધિ ધરાવતા યુધ્ધો છે. ઇસુ પછીના યુધ્ધોમાં ‘રીકોંક્વિસ્ટા’ નામ પામેલું એક યુધ્ધ ઈસવીસન 718થી 1492 એટલે કે 774 વર્ષો ચાલેલું.
વિશ્વનું સહુથી ટૂંકું યુધ્ધ યુનાઈટેડ કિંગડમ અને ઝાંઝીબાર સલ્તનત વચ્ચે ખેલાયેલુ. તે યુધ્ધને એંગ્લો-ઝાંઝીબાર યુધ્ધના નામે પણ ઓળખવામાં આવે છે. તારીખ 27મી ઓગસ્ટ 1896ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે નવ વાગ્યે અંગ્રેજોએ યુધ્ધારંભ કર્યો. નવ વાગીને પિસ્તાળીસ મિનિટે તો યુધ્ધનો ફેંસલો આવી ગયેલો. અંગ્રેજો યુધ્ધ જીતી ગયેલા.
ઝાંઝીબાર હિન્દ મહાસાગરમાં સ્થિત ટાપુ છે. વર્તમાનમાં ઝાંઝીબાર ટાંઝાનિયા દેશનો એક્ ભાગ છે. ઝાંઝીબારના ઈતિહાસમાં થોડું ડોકિયું કરીએ. વર્ષમાં 1499માં અહી પોર્તુગિઝો આવેલા. 1698માં ઓમાનના સુલતાન પોર્તુગિઝોને હાંકી કાઢવામાં સફળ થયેલા. તે પછી છ દાયકા જેટલા સમય માટે ઓમાનના સુલ્તાનનું ઝાંઝીબાર પર વર્ચસ્વ હતું. સન 1858માં સુલ્તાન મજીદ બીન સઇદે કાવાદાવામાં માહિર અંગ્રેજોના જોરે ઝાંઝીબાર દ્વિપને ઓમાનથી સ્વતંત્ર જાહેર કર્યો. ઝાંઝીબારમાં સામાન્ય વાણિજ્ય ઉપરાંત માનવ ગુલમો વેચવાનું કામ પણ થતું. વર્ષ 1873માં સુલ્તાન બરગશ બીન સઇદને અંગ્રેજોએ માનવ ગુલામોનો વેપાર બંધ કરવા આખરીનામું આપેલું. અંગ્રેજોએ બરગશને સ્પષ્ટ ધમકી આપેલી કે અગર માનવ ગુલામોનો વેપાર બંધ નહીં થાય તો ટાપુની નાકાબંધી કરવામાં આવશે.
એક પછી એક આવેલા સુલતાનોએ ઝાંઝીબારના સાગર કિનારે જ મહેલ નિર્માણ કરાવ્યો. સાથે જ મહેલના સંગાથી સમ ‘બૈત-અલ-હુક્મ’ નામના હરમનું (રાણીઓનું નિવાસ સ્થાન) પણ બનાવેલું. પોતાના અને આમ જનતાના મનોરંજન અને રાજવી ઉજવણીઓ માટે ‘બૈત-અલ-અજાયબ’ નામક એક અજાયબ ઘર તૈયાર કરવેલું. કહેવાય છે કે તે અજાયબ ઘર પૂર્વ આફ્રિકામાં વીજળી ધરાવતું પ્રથમ પરિસર હતું.
વર્ષોના મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે બ્રિટિશ સાહેબોએ વર્ષ 1886માં ઝાંઝીબારને એક દેશ તરીકે સ્વીકૃતિ આપેલી. હવે બનેલું એવું કે ઝાંઝીબારના સુલ્તાન ખલીફાએ બ્રિટિશોને કેન્યા અને જર્મનોને ટાંગાનિકા જમીન ખરીદવા વગેરેનો હક્ક લખી આપેલો. આ મુદ્દા પર જ સ્થાનિક આરબો અને જર્મનો વચ્ચે થયેલા સંઘર્ષમાં વીસ આરબોએ જીવ ગુમાવવો પડેલો. ઓછામાં પૂરું જર્મનોએ ટાંગાનિકા ખાતે ઝાંઝીબાર સલ્તનતનો વાવટો ન ફરકાવવાની જીદ કરી. તે સાથે જ સુલતાન ખલીફાએ અંગ્રેજ સૈનિકોનાં વડપણ હેઠળ ટાંગાનિકાના જર્મનો સામે હલ્લો બોલાવ્યો અને સફળ પણ નીવડ્યા. કુલ મળીને જર્મનો પ્રતિ સ્થાનિકોનો દ્વેષ વધતો જતો હતો. જેના પરિણામ સ્વરૂપ જર્મનોના સૈન્ય અધિકારીઓનાં અને તેમના સેવકોના ખૂન આરબોએ કર્યા.
સુલતાન ખલીફામાં 1890 જન્નત નશીન થતાં અલી બીન સઇદ તખ્ત નશીન થયા. અલીએ માનવ ગુલમોની લે-વેચ પતિબંધ મૂક્યો અને બ્રિટિશ તાજને ઝાંઝીબારના રખવાળા જાહેર કર્યો. અલીના મૃત્યુ ઉપરાંત હમદ બિન સઇદ સત્તામાં આવ્યા. હમદ પોતાની સત્તા સાચવવા અંગ્રેજો જોડે મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખતા. પરંતુ, બ્રિટિશ સૈન્યનો વધુ પડતાં ચંચુપાત અને અઢળક નફો રળી આપતો ગુલામોનો વેપાર બંધ થતાં સ્થાનિકો દુ:ખી હતા. સ્થાનિકોને કાબુમાં રાખવા બ્રિટિશરાજે સુલ્તાન હમદને મહેલમાં એક હજાર સુરક્ષાકર્મીઓ રાખવાની પરવાનગી આપેલી. અલબત્ત, મહેલના સુરક્ષાકર્મીઓની વર્તણૂક સંદર્ભે અંગ્રેજોને સતત ફરિયાદો રહેતી.
તારીખ 25મી ઓગસ્ટ 1896ના દિવસે સુલ્તાન હમદ અચાનક મૃત્યુ પામ્યા. તેમનો ઓગણત્રીસ વર્ષનો ભત્રીજો, ખાલિદ બીન બરગશ અંગ્રેજોની રજામંદી વગર મહેલ સંકુલમાં પ્રવેશ કરીને સુલ્તાનની ગાદી પર બેસી ગયો. ખાલિદનું ગાદી પર બેસી જવું અંગ્રેજોના દસ્તાવેજો પ્રમાણે પૂર્વ સુલ્તાન અલી સાથે સમજૂતી મુજબ ન હતું. અંગ્રેજો ખાલિદના બદલે હમૌદ બીન મુહમ્મદને સુલ્તાન બનાવવા માંગતા હતા. અંગ્રેજોએ ખાલિદને ચેતવણી સહ સલાહ પણ આપી કે તેમણે ઊઠાવેલા કદમો અંગે ફેરવિચારણા કરે. અંગ્રેજ એવા ઝાંઝીબારના એજન્ટ બેસિલ કેવ અને જનરલ મેથ્યૂસ ખાલિદને વારંવાર તાકીદ કરતાં રહ્યા. ખાલિદને સમજાવતા રહ્યા કે મહેલ સંકૂલ છોડીને કોઈ સલામત સ્થળે પહોંચી જાય. ખાલિદ કદાચ અંગ્રેજોની વાતની ગંભીરતા સમજી ન શક્યા. ઊલટું ,ખાલિદે પોતાની મરજી મુજબ કુલ 2800 લોકોને રાઇફલ અને મસ્કેટ જેવા હથિયારો સાથે શસ્ત્રસજ્જ કર્યા. 2800 પૈકી મોટા ભાગના લોકો આમ નાગરિકો હતા. તાલીમબધ્ધ સૈનિકો ન હતા. જો કે, ખાલિદને સાતસો જેટલા ઝાંઝીબારી અસ્કરી સૈનિકોનું પીઠબળ હતું. ખાલિદ પાસે હથિયારોમાં મકસીમ નામક મશીન ગન હતી, એક ગટલિંગ પ્રકારની ગન અને સત્તરમી સદીની એક તોપ હતી. જર્મન રાજા વિલહેમે ભેટ આપેલી બાર પાઉંડના ગોળા છોડવા સક્ષમ ફિલ્ડગન બ્રિટિશ જહાજો સામે તકાયેલી હતી. સુલ્તાનના નૌકાદળમાં એક સઢ ધરાવતી એક લાકડાની નૌકા હતી. તે અઢાર વર્ષ જૂની નૌકા મૂળભૂત રીતે સુલ્તાનના આનંદ પ્રમોદ માટે બનાવેલી હતી.
ખાલિદની જીદ જોઈને અંગ્રેજોએ પોતાની તૈયારીઓ ચાલુ કરી. નવસો ઝાંઝીબારી અસ્કરી સૈનિકોનું ઝુંડ ખડે પગે રાખ્યું. એકસો પચાસ નાવિકો અને મરીન તૈયાર રાખ્યા. અંગ્રેજોએ યુધ્ધ જહાજની સુરક્ષા ધરાવતી ક્રૂઝર ‘ફિલોમેલ’, અને ગનબોટ નામે ‘થૃશ’ બારમાં લાવી રાખી દીધા. મહેલ સંકૂલની સામે જ એચએમએસ ‘સ્પેરો’ નામની બીજી એક ગનબોટ તૈનાત કરી. 26મી ઓગસ્ટે સવારે દસ વાગ્યે અંગ્રેજો વધુ એક સુરક્ષિત ક્રૂઝર ‘રકુન’ લાવ્યા. બપોરે બે વાગ્યે ‘સેંટ જ્યોર્જ’ નામક મુખ્ય જહાજ ઝાંઝીબારના બારામા દાખલ થયું. તારીખ 26મી ઓગસ્ટે પણ કેવ બેસિલ સુલ્તાન ખાલિદને સ્મ્જવતા રહ્યા કે સલ્તનતનો ધ્વજ ઉતારીને મહેલની બહાર નીકળી જાઓ. બ્રિટિશ નાગરિકોની સલામતી માટે અગમચેતીના પગલાં રૂપે તમામ બ્રિટિશ સ્ત્રીઓ અને બાળકોને સેંટ જ્યોર્જ જહાજમાં અથવા ભારતીય સ્ટીમ નેવિગેશન કંપનીના જહાજમાં પહોંચાડી દેવામાં આવેલા. વેપારી જહાજોને બારાથી દૂર મોકલી દેવામાં આવ્યા.
તારીખ 27મી ઓગસ્ટના દિવસે સવારે આઠ વાગ્યે કેવ બેસિલે એક મૌખિક સંદેશો પણ ખાલિદને મોકલ્યો. કહેલું કે અમારી વાત માની લેશો તો સહી સલામત બહાર નીકળી શકશો. જેના જવાબમાં ખાલીદે કહેવડાવ્યું કે અમારો કોઈ જ ઇરાદો નથી કે અમે અમારો ધ્વજ નીચે ઊતારીએ. અમે માનીએ છીએ કે અંગ્રેજો અમારા પર ફાયરિંગ નહીં કરે. કેવ બેસિલે ફરી કહ્યું કે અંગ્રેજોની શરતો માની લેશો તો ફાયરિંગ નહીં થાય. જે સંદેશો ખાલિદ તરફથી અનુત્તર રહ્યો.
બરાબર નવ વાગતા જ જનરલ લોઈડ મેથ્યુસે બ્રિટિશ યુધ્ધ નૌકાઓને બોમ્બાર્ડિંગ ચાલુ કરવા હુકમ કર્યો. બે દિવસ પહેલા લાંગરી ચૂકેલી યુધ્ધ નૌકાઓએ નવ વાગીને બે મિનિટે ખાલિદના મહેલ તરફ બોમ્બમારો ચાલુ કર્યો, થૃશના પ્રથમ ગોળાથી આરબોની બાર પાઉંડના ગોળા ફેંકતી તોપ નાશ પામી. ત્રણ હજાર જેટલા સુરક્ષા કર્મીઓ, સેવકો અને ગુલામો મહેલમાં હાજર હતા. મહેલની રક્ષા માટે વિવિધ અંતરાયો, રબ્બરના ઉપકરણો, ગાંસડીઓ વગેરે હતું પણ પ્રચંડ વિસ્ફોટક ગોળા સામે બધુ નાશ પામ્યું. ખાલિદ તરફી અનેક લોકોએ જીવ ગુમાવ્યા. પેલી આનંદ પ્રમોદ માટેની નૌકામાથી બ્રિટિશ યુધ્ધ જહાજો પર હુમલાની કોશિશ કરવામાં આવેલી. જેના જવાબ રૂપે બ્રિટિશ યુધ્ધ નૌકાએ દાગેલા એક ગોળાથી આનંદ પ્રમોદ નૌકા છીછરા પાણીમાં અડધી*પડધી ડૂબી. તેના ખલાસીઓ એ બ્રિટિશ ધ્વજ ફરકાવીને શરણાગતિ સ્વીકારી. આટલા ટૂંકા ચાલેલા યુધ્ધમાં અંગ્રેજો તરફથી છૂટેલા પહેલા જ ગોળા સાથે સુલ્તાન ખાલીદ અગ્રગણ્ય આરબો સાથે મહેલ છોડીને ભાગી નીકળ્યા. અલબત્ત, બીજા એક અભિપ્રાય અનુસાર ખાલિદ થોડા સમય માટે મહેલમાં જ હતા. આશરે ચાળીસ મિનિટ ચાલેલી ગોળાબારીના અંતે યુધ્ધ પૂર્ણ થયું. ધાર્યા મુજબ બ્રિટિશ જીત્યા. બપોર સુધીમાં તો અંગ્રેજોએ પોતાના પ્યારા હમૌદ બીન મુહમ્મદને સુલ્તાન જાહેર કરીને ગાદી સોંપી .
યુધ્ધનો સમય ગાળો આજ પર્યંત અનિશ્ચિત રહ્યો છે. કારણકે ત્રણેય બ્રિટિશ યુધ્ધ નૌકાઓની લૉગ બુકમાં અંતિમ ગોલાબારીનો સમય થોડો અલગ અલગ છે.
- ફાલ્ગુન મોદી








