શતરંગ / વિશ્વ સંગીત દિવસ: સંગીતના સુર, રોગોને કરે દૂર
- શબ્દ ઝણકાર गीतं वाद्यं तथा नृत्यं त्रयं संगीतमुच्यते। અર્થાત સારંગદેવ કે સંગીત રત્નાકર અ

- શબ્દ ઝણકાર
गीतं वाद्यं तथा नृत्यं त्रयं संगीतमुच्यते।
અર્થાત
સારંગદેવ કે સંગીત રત્નાકર અનુસાર, સંગીત એક વ્યાપક શબ્દ છે. એમાં ગાયન, વાદન અને નૃત્ય સમાવિષ્ટ છે.
21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને સાથે સાથે વિશ્વ સંગીત દિવસ પણ ખરો. આજે વાત કરીએ વિશ્વ સંગીત દિવસ એટલે શું? શા માટે ઉજવવામાં આવે છે અને સંગીતને સ્વાસ્થ્ય સાથે કઈ રીતે જુદો નાતો છે તે જોઈએ :
ફેટે દ લા મ્યુઝિક એ સંગીતની વાર્ષિક ઉજવણી છે જે 21 જૂનના રોજ યોજાય છે. ઉનાળાના અયનકાળના દિવસે સૌપ્રથમ આખા દિવસની સંગીતમય ઉજવણીની શરૂઆત 1982માં પેરિસમાં જેક લેંગ, જે ફ્રાન્સના તત્કાલીન સાંસ્કૃતિક પ્રધાન હતા. તેમજ મોરિસ ફલ્યુરેટ દ્વારા કરવામાં આવી હતી. તે દિવસથી પછી વિશ્વના 120 દેશોમાં ઉજવવામાં આવ્યો.
સંગીત આમ તો થેરાપી છે એમ કહીયે તો વાંધો નથી. સંગીતની કોઈ આડઅસર હોતી નથી. સંગીત એક શ્રેષ્ઠ ઔષધી છે. આયુર્વેદમાં પ્રાચીન કાળથી ગાંધર્વ વેદની સહાયથી સુર ચિકિત્સા પદ્ધતિનો નિર્દેશ કરવામાં આવ્યો.’સંગીત સ્વરામૃત’ નામના ગ્રંથમાં કહેવાયું છે કે, ‘ધ્વનિ તરંગોની સીધી અસર આપણા વાત, પિત્ત અને કફ પર થાય છે’. જનરલ હેલ્થ ઓફ સાયકોલોજીમાં પ્રકાશિત એક લેખ અનુસાર, ‘જે લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે તેમનું બ્લડ પ્રેશર અને હાર્ટ વધુ તંદુરસ્ત રહે છે.’
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દરેક રાગ દિવસના ચોક્કસ સમય સાથે સબંધ ધરાવતો હોય છે જેથી તે વધુ સારી રીતે અસર કરે છે. તો ચાલો જાણીએ કયા રોગ કે બીમારી વખતે ચોક્કસ રાગ સાંભળવાથી એ તકલીફ કે બીમારીમાં રાહત મળે છે અને દૂર થાય છે:
હાઈ બ્લડ પ્રેશર:
રાગ બાગેશ્રી, માલકૌંસ, તોડી, અહીર ભૈરવ અને જયજયવંતી સાંભળવાથી બ્લડ પ્રેશરમાં રાહત આપે છે.
ચિંતા અને તણાવ:
માનસિક શક્તિ વધારવા અને તણાવ ઓછો કરવા માટે રાગ કાફી, દરબારી મદદરૂપ સાબિત થાય છે.
પેટ સંબંધી બીમારી:
પેટની તકલીફ જેવી કે, પેટમાં ગડબડ, કબજિયાત, ગેસ વગેરેને દૂર કરવા માટે પૂર્યા ધનાશ્રી અને દીપક સાંભળવાથી ફાયદો થાય છે.
હૃદય રોગ:
રાગ કલ્યાણી અને ચારુકેશી. તેમજ રાગ તોડી માથાના દુખાવા માટે અને રાગ ભૈરવી સાઇટિસથી થતા માથાના દુખાવામાં રાહત અપાવે છે.
ડાયાબિટીસ:
રાગ બાગેશ્રી અને જયજયવંતી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ નીવડે છે.
કેન્સર:
રાગ ભૈરવી અને લલિત કેન્સરના કિમોથેરાપી દરમિયાન સંભળાવવામાં આવે છે જેથી તેઓ રાહત અનુભવી શકે છે.
ભારતમાં મ્યુઝિક થેરાપીમાં શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ થાય છે. આ થેરાપીમાં મુખ્યત્વે બે પ્રકાર પડે છે : એક્ટિવ અને પેસિવ. એક્ટિવ મ્યુઝિક થેરાપીમાં વ્યક્તિ જાતે વાદ્ય વગાડે છે જ્યારે પેસિવ મ્યુઝિક થેરાપીમાં સંગીતનો અનુભવ આપવામાં આવે છે. આ થેરાપીથી વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે તેમજ સંગીત સાંભળવાથી હેપ્પીનેસ હોર્મોન્સ રિલીઝ થાય છે જે વ્યક્તિમાં આનંદ લાવે છે.
સંગીત દ્વારા માનસિક તણાવ તથા શરીરનો સતત દુખાવો દૂર થાય છે, લાગણીને વાચા મળે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ લાવે છે. સંગીત થેરાપીનો આધાર તેના સ્વર, લય,તાલ પર રહે છે જેથી આધ્યાત્મિક ફાયદો પણ થાય છે. આજની યુવાપેઢીને નમ્ર સૂચન છે કે, લાઉડ મ્યુઝિકથી બચીને રહો જેથી તમને બહેરાશપણાનો ભોગ આગળ જતા ન બની શકો. સાથોસાથ, શાસ્ત્રીય સંગીત સાંભળવાનું રાખો જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ શાસ્ત્રીય સંગીત તરફ વળવાના ફાયદાઓ પણ અનેક છે. જેથી ઊર્જાનું પ્રમાણ યોગ્ય રીતે વધારી શકાય. આ સાથે જ, આપ સર્વેને વિશ્વ સંગીત દિવસ નિમિતે સુર, લય, અને તાલ ભરી શુભકામનાઓ પાઠવું છું.
- પાયલ અંતાણી








