સ્ત્રી 2: પરફેક્ટ સિક્વલ ; ઓ સ્ત્રી, અગલે પાર્ટ મેં જલ્દી આના...!
Film Review: તુષાર દવે જેના પારણા મૂળ સાઉથમાં ઝુલેલા એવી 'ભૂલભૂલૈયા' અને 'લક્ષ્મી' જેવ

Film Review: તુષાર દવે
જેના પારણા મૂળ સાઉથમાં ઝુલેલા એવી 'ભૂલભૂલૈયા' અને 'લક્ષ્મી' જેવી રિમેક્સને બાદ કરીએ તો 'સ્ત્રી' બોલિવૂડમાં હોરર કોમેડીનો હાલનો ટ્રેન્ડ સેટ કરનાર ફિલ્મ ગણાય અને 'સ્ત્રી 2' એક પરફેક્ટ સિક્વલ છે. આનાથી સારી સિક્વલ હોઈ જ ન શકે.
ફિલ્મનો કોન્સેપ્ટ અને વાર્તા સુપરથી ઉપર છે. આપણે ત્યાં 'ક્રિશ' સિરિઝ જેવા સુખદ અપવાદો બાદ કરતા સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે પહેલી ફિલ્મની સફળતા વટાવવા જ ધરાર સિક્વલ બનાવી દેવામાં આવતી હોય છે. સિક્વલમાં આગલી ફિલ્મના કોઈ સંધાન જ ન મળતા હોય, લેખક પાસે વાર્તા ખૂટી ગઈ હોય અને મૂળ વાર્તાના પાત્રો ઉઠાવીને કંઈ પણ લોટ, પાણીને લાકડા જેવું લાકડે માકડું વળગાવી દેવાયુ હોય. જ્યારે 'સ્ત્રી 2' એ મામલે અપવાદ છે. ઈનફેક્ટ અપવાદ નહિ, પણ ઉદાહરણ છે કે સિક્વલના કોન્સેપ્ટ અને વાર્તા પર કઈ કક્ષાનું કામ થવું જોઈએ અથવા તો કોઈપણ ફિલ્મ ફ્રેન્ચાઈઝીને કેવી રીતે ડેવલપ કરી શકાય. મેકર્સ પાસે વાર્તા અને લેયર્સ ખુટ્યા નથી, બલકે 'સ્ત્રી', 'ભેડિયા' અને 'મુંજ્યા'ના યુનિવર્સ ભેગા કરીને વિકીની શક્તિઓ, સરકટાની બેકસ્ટોરી, શ્રદ્ધાના પાત્રનું નામ અને બેકસ્ટોરી સહિતની ઓછામાં ઓછી અડધોડઝન બીજી વાર્તાઓ અને એટલા જ સુપર હિરો-સુપર વિલન્સ સર્જાય એટલો પટ એમણે ખોલી રાખ્યો છે.
'સ્ત્રી'ની વાર્તા 'ગો ગોવા ગોન', 'અ ફેમિલી મેન' અને 'ફર્ઝી' ફેમ રાઈટર-ડિરેક્ટર જોડી રાજ એન્ડ ડીકેએ લખેલી. આ યુનિવર્સને આટલું ડેવલપ કરવાનો બધો યશ આ ફિલ્મોના ડિરેક્ટર અમર કૌશિક અને મૂળ ભાવનગરના રાઈટર નીરેન ભટ્ટને જાય છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'ઈનસાઈડ એજ' તેમજ 'અસુર' જેવી સિરિયલ-સિરિઝ અને 'રોંગ સાઈડ રાજુ', 'મેડ ઈન ચાઈના', 'બાલા', 'મુંજ્યા' જેવી ફિલ્મો લખનારા લેખક-ગીતકાર નીરેન ભટ્ટ 'સ્ત્રી 2'માં બરાબરના ખીલ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ હિલેરિયસ અને સેકન્ડ હાફ ગ્રિપિંગ છે. ફિલ્મમાં હ્યુમરસ પંચલાઈન્સની ભરમાર છે, જેમ કે - 'વર્જિન તેલ હેલ્થી હોતા હૈ મેલ નહિ', 'ઈ-મેઈલ કે જમાને મેં લેટર્સ બાંટતે હો... થોડે દિનો મેં વિલુપ્ત હો જાઓગે', 'સરકટા ઈન્ફ્લુએન્સર હૈ... અપને ફોલોઅર્સ બઢાના ચાહતા હૈ.' તો બીજી તરફ - 'કિતાબે હો યા સામાન... અગર સામનેવાલે કો કદ્ર ના હો તો રદ્દી હી હોતે હૈ' - જેવો મર્મવેધક ડાયલોગ પણ સાંભળવા મળે. એક્ટર્સ અને એમના પર્ફોર્મન્સ દમદાર હોવાના કારણે દરેક પંચલાઈન ફૂટે પણ છે. રાઈટરે વિલુપ્ત અને ઉત્તેજીત જેવા શુદ્ધ હિન્દી શબ્દ પ્રયોગોથી પણ સારી હ્યુમર જનરેટ કરી છે. પેટ્રિઆર્કી માટેનું સિમ્બોલાઈઝેશન ઉડીને આંખે વળગે છે.
એક્ટિંગની વાત કરીએ તો રાજકુમાર રાવ 'લવ સેક્સ ઓર ધોખા' અને 'રાગીની MMS'ના સમયથી ગમે છે. મેં એ ફિલ્મો પણ મોટા પડદે જોયેલી. ફાઉન્ડ ફૂટેજ ટેકનિકથી શૂટ થયેલી એ બંન્ને ફિલ્મો ભારતીય સિનેમામાં એક રીતે પાથબ્રેકિંગ હતી. જોકે પહેલી ફિલ્મની સફળતા વટાવી ખાવા બનેલી સન્ની લિયોનીવાળી 'રાગીની MMS 2' મહાહથોડો હતી. ખેર, વાત એમ હતી કે ત્યારથી માંડીને આજ સુધીના કોઈ સર્જનમાં આ એક્ટર નબળો લાગ્યો જ નથી. (એમાં પણ 'બરેલી કી બરફી'નો ટ્રાન્સફોર્મેશન સીન તો ગજ્જબ.) આ ફિલ્મમાં પણ રાજકુમાર રાવનું ટાઈમિંગ કાબિલ-એ-દાદ છે. મેકર્સ ભવિષ્યમાં વિકીના પાત્રને સુપર હિરો જેવું ડેવલપ કરે તો પણ નવાઈ નહીં.
શ્રદ્ધા કપૂર અને અપારશક્તિ ખુરાનાએ પોતાની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો છે. પંકજ ત્રિપાઠી હંમેશાની જેમ એફર્ટલેસ લાગે છે. આ બધાંની વચ્ચે છવાઈ જાય છે જનાનું પાત્ર ભજવનાર અભિષેક બેનર્જી. ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે શરૂ કરનારો આ એક્ટર અમારા ગમતા એક્ટર્સ પૈકીનો એક છે. જનાના ફેસ પર પરમેનન્ટ રહેતા એક્સપ્રેશન 'ધમાલ'ના જાવેદ જાફરીની યાદ અપાવે. એકાદ-બે દૃશ્યોમાં થાય છે પણ અદ્દલ એવું જ જેવું 'ધમાલ'ના માનવ સાથે થતુ હોય છે. 'પાતાલ લોક'ના હથોડા ત્યાગી જેવા અનેક પાત્રો ભજવ્યા હોવા છતાં આ પાત્ર એના એવરગ્રીન પાત્રોમાં સ્થાન પામશે. જનાની માતાના રોલમાં સુનિતા રાજવર છે. એ જેટલી ક્ષણ સ્ક્રિન પર આવે જમાવટ કરી જાય છે. જેને જાહેર કરવા સ્પોઈલર્સ ગણાશે એવા બે કેમિયો પણ પૈસાવસુલ છે.
સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ વખાણવા લાયક છે. બેકગ્રાઉન્ડ સ્કોર પરફેક્ટ છે. સચિન-જીગરનું મ્યૂઝિક પેપી છે. 'આજ કી રાત' ગણગણવું ગમે એવું અને 'આઈ નહીં' થિરકવાનું મન થાય એવું. 'આઈ નહીં'નું સિગ્નેચર સ્ટેપ ખુબ એનર્જેટિક છે. રાજકુમાર રાવ એમાં એફર્ટલેસ લાગે છે.
ઓવરઓલ, સિનેમાઘરોમાં જોવાની ચુકાય નહિ એવી ફિલ્મ. મસ્ટવૉચ.
એક્સ્ટ્રા શોટ :
આ પાંચ વર્ષની મહેનત છે. 'સ્ત્રી'ની સફળતાનું બર્ડન હોવાથી અમે 'ટર્મિનેટર 2', 'ગોડફાધર 2' અને 'એલિયન 2' જેવી અનેક સફળ સિક્વલ્સનો અભ્યાસ કર્યો જે એના પહેલા ભાગ કરતા બહેતર ગણાઈ હોય. એ શોધવાનો પ્રયાસ કર્યો કે એ ફિલ્મોમાં એવું તો શું હતું જે એને પહેલા પાર્ટ કરતા પણ મજબૂત બનાવે. એ એલિમેન્ટ્સમાંથી કઈ બાબતો આપણી સ્ટોરીમાં લાવવી જોઈએ એના પર મંથન કરીને આ યુનિવર્સ તૈયાર કર્યું. આ યુનિવર્સની અનેક વાર્તાઓ પ્લાન કરી છે. એના પર હવે વર્ક થશે. 'સ્ત્રી 2'ની સફળતા પર ઘણો મદાર હતો. જોકે, 'મુંજ્યા'ની સફળતાથી જ આત્મવિશ્વાસ વધી ગયેલો. 'મુંજ્યા' એક એવી ફિલ્મ છે જે ન્યૂ કમર એક્ટર સાથે 100 કરોડને પાર થઈ ગઈ. 'મુંજ્યા'ની સફળતા એક કેસ સ્ટડી છે.
- નીરેન ભટ્ટ ('સ્ત્રી 2'ના લેખક)








