મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગુમાવીને જ કદર કેમ કરવાની?

- કાગળ પરના પંખી ટહુકયાં “લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ” કેફેમાં ગીત વાગતું હતું અને બહાર ધોધમાર વરસાદ પડી

શતરંગ / ગુમાવીને જ કદર કેમ કરવાની?

- કાગળ પરના પંખી ટહુકયાં

“લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ” કેફેમાં ગીત વાગતું હતું અને બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો...૪૨ વર્ષની રુજલ રાહ જોઈ રહી હતી કે ક્યારે વરસાદ બંધ થાય અને ક્યારે એનું લેકચર આપવા પુના પહોચે. રુજ્લ એક હોમિયોપેથીની ડોક્ટર હતી. એમ.ડી. કરીને એ પ્રાયવેટ કલીનીકમાં એની પ્રેક્ટીસ કરી રહી હતી અને એની પ્રેક્ટીસ સારી પણ ચાલી રહી હતી. એક વેઈટર આવીને રુજ્લને પૂછે છે કે ચા - કોફી લાવું અને રુજ્લ કહે છે કે આદુવાળી ચા લઇ આવો... બહાર પડતાં વરસાદને જોઇને એને ખબર તો પડી જ  ગઈ હતી કે હવે ચાર-પાંચ કલાક આ જ જગ્યા એમનો મુકામ હતી. એણે વિચાર્યું કે જે લેકચર આપવાનું છે એના વિષે ફરી થોડું વાંચી લે અને એણે પુસ્તક કાઢ્યું વાંચવા અને બે-ચાર પાનાં વાંચ્યા હશે અને એટલામાં એક માણસ આવીને કહે છે કે EXCUSE ME હું આ chair પર બેસી શકું અને રુજ્લ જોયા વગર કહી દે કે SURE.. પણ જેવું જ એ વ્યક્તિને જુએ એ સ્તબ્ધ થઇ જાય..  સામેવાળો વ્યક્તિ હતો રિષભ.... અને જાણે ખરી વીજળી તો રુજ્લ પર હવે પડી... રુજ્લ અને રિષભ આજે આઠ - આઠ વર્ષ પછી મળી રહ્યા હતાં, બંને બહુ ઓકવર્ડ ફિલ કરી રહ્યા હતાં કે શું બોલે? 

રિષભ રુજ્લ કરતાં ત્રણ વર્ષ મોટો હતો. રુજ્લ જયારે બી.એચ.એમ.એસ. કરી રહી હતી ત્યારે રિષભ હોમીયોપેથીમાં એમ.ડી. કરી રહ્યો હતો અને રુજ્લની કોલેજમાં વીઝીટીંગ ફેકલ્ટી મેમ્બર તરીકે જતો હતો. રિષભ અને રુજ્લ બંનેની આંખ કયારે મળી ગઈ અને ક્યારે બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું બંનેને ખબર જ ના પડી... રુજ્લ ખુબ મહત્વકાંક્ષી હતો અને રુજ્લ એકદમ ઈમોશનલ.. એણે એનું એમ.ડી. ના કર્યું... રિષભ એ ખુબ ફોર્સ કર્યો પણ રુજ્લ એ કહ્યું કે હું આટલાથી સંતુષ્ટ છુ. રુજ્લને રિષભનો સાથ જોઈતો હતો. એનો સમય, એનું અટેંશન જોઈતું હતું, રિષભ રુજ્લને સ્પેશ્યલ ફિલ કરાવે એવું જોઈતું હતું પણ રિષભ હમેશા એમ જ કહેતો કે, “બી પ્રેક્ટીકલ આપણે કંઈ નાના કિકલા નથી..... હજી તો આપણી કરિયર શરુ થઇ છે.... હજી તો આપણે પ્રેક્ટીસ જમાવવાની છે, નામ કમાવવાનું છે, પૈસા કમાવવાના છે અને એમાં જો હું ચોવીસ કલાક વેવલા વેળા કરીશ તો કેવી રીતે ચાલશે?” સ્ત્રીની ઝંખનાઓ ખબર નહિ કેમ જગતને વેવલાવેળા જ લાગે છે? રિષભની પ્રેક્ટીસ તો જામતી ગઈ પણ રુજ્લ એટલી જ એકલી થતી ગઈ... કંટાળીને રુજ્લ એ એમ.ડી. શરુ કર્યું જેથી એ વ્યસ્ત તો રહે.. કારણ કે એકલતા માણસને ધીમે ધીમે અંદરથી ખોતરી ખાતી હોય છે. એ સતત રિષભને મેસેજ કરે પણ એના જવાબ આપવા એને ટાઈમ જ ના હોય.. એ કલાકો રિષભના ફોનની રાહ જુએ પણ એની પાસે સમય જ ના હોય.... રુજ્લને રિષભને તૈયાર થઈને બતાવવું હતું કે એકવાર રિષભ જુએ અને કહે કે, “રુજલ, તું સાડીમાં બહુ સુંદર લાગે છે પણ રુજ્લની આંખ તો હમેશા પ્રેઝન્ટેશન, મીટીંગ અને દર્દીઓની આજુબાજુ જ પરોવાયેલી રહેતી... સમય જતો ગયો અને રુજ્લની અંદરની લાગણીઓ વિધવા થઇ ગઈ.... હવે રિષભ પાસે મોટો બંગલો, મોંઘી ગાડી બધું જ હતું પણ  રુજ્લ ક્યાંક ખોવાઈ ગઈ હતી. આમ ને આમ આઠ વર્ષ વીતી ગયા. સ્ત્રી પુરુષને બદલાવવા માટે સમય આપે છે એક આશા એ કે આજે નહિ  તો કાલે બધું સારું થઇ જ જશે પણ પછી એકવાર જયારે સ્ત્રી  બદલાઈ જાય છે તો જગતમાં કોઈ એ સ્ત્રીને પહેલા જેવી નથી કરી શકતું. અને એક દિવસ રુજ્લ રિષભને કહ્યા વગર જતી રહી અને સીધા ડિવોર્સના કાગળ મોકલાવ્યા..એ વખતે રિષભ એ પણ ગુસ્સામાં સહી કરી દીધી અને રિષભ અને રુજ્લ બંનેના છુટાછેડા થઇ ગયા. રુજ્લના ગયા પછી રિષભને સમજાયું કે એણે શું ગુમાવ્યું છે..... રુજ્લ પણ રિષભને પ્રેમ તો કરતી જ હતી પણ એ સાથે રહીને પણ એકલતા ભોગવવા નહોતી માંગતી.. ભૂલ સમજાતાં રિષભ એ રુજલને પાછી મેળવવા બહુ પ્રયત્ન કર્યા પણ રુજ્લ એકની બે ના થઇ...અને એણે રિષભ માટે બધા રસ્તા બંધ કરી દીધા.... આજે ફરી બંને વર્ષો પછી મળ્યા રુજ્લ એ ફરી એ જ વાત કરી કે, “આઠ વર્ષ પહેલાંની ભૂલ માફ ના થઇ શકે? અને રૂજલ એ કહ્યું કે, “સુધારવા માટે પણ આઠ વર્ષ આપ્યા જ હતા ને?” અને રિષભ એ રુજ્લને બહુ કહ્યું કે, “હું આજે પણ તને જ પ્રેમ કરું છુ. એટલે મેં લગ્ન પણ નથી કર્યા. રુજ્લ કહ્યું કે, “પણ હું કરી રહી છુ એક મહિના પછી મારા લગ્ન છે.” રિષભને આઘાત લાગ્યો.. રુજ્લ એ કહ્યું કે, “મારી સગાઇ થઇ ગઈ છે. રુજ્લ એ રિષભને ફોટો પણ બતાવ્યો અને કહ્યું કે આની પાસે તારા જેવો બંગલો કે ગાડી નથી પણ મારી માટે માન છે અને સમય છે અને એ મને પ્રેક્ટીકલ બનવાનું પણ નથી કહેતો.. બહાર વરસાદ રોકાઈ ગયો હતો એટલે રુજ્લ ચાલી નીકળી રિષભને કહીને કે, “તારું ધ્યાન રાખજે..રુજ્લ એ પાછુ વળીને પણ ના જોયું કે બહાર વરસાદ બંધ હતો પણ રિષભની આંખમાંથી વરસાદ વરસી રહ્યો હતો.

રુજ્લ અને રિષભ જેવી ઘટનાઓ આપણા ઘણાંના જીવનમાં થતી હોય છે. કોઈ વ્યક્તિ આપણી સાથે હોય તો આપણને ત્યારે એની કદર નથી હોતી.. કોઈ આપણને મહત્વ આપે, આપણા માટે લાગણી રાખે, આપણને ફોન કે મેસેજ કરે અથવા આપણા ફોન કે મેસેજનો તરત રીપ્લાય આપે તો આપણને ઘણી વાર એમ લાગે કે સામેવાળો માણસ સાવ નવરો જ છે પણ આપણે એ વખત એમ કેમ નથી વિચારતાં કે સામેવાળા વ્યક્તિના જીવનમાં આપણે એટલા મહત્વના છીએ કે એ એના ગમે તેવા અગત્યના કામમાંથી પણ મારા માટે સમય કાઢી લે છે. એ નવરા નથી... સતત થતી અવગણના માણસોની લાગણીઓને શુષ્ક બનાવી દે છે, પ્રયાસોને શિથિલ કરી નાખે છે, ઉમળકાને સમાવી દે છે અને અંતે માણસ થાકી જાય છે અન હાર માની લે છે અને નક્કી કરે છે એ જગ્યાને છોડી દેવાનું કે જ્યાં ના એને માન મળે છે, ના લાગણી મળે છે, ના સમય મળે છે. અને પછી જયારે વ્યક્તિ છોડીને જતું રહે છે ત્યારે  સામેવાળાને સમજાય છે કે એણે શું ગુમાવ્યું છે અને પછી જે જતું રહ્યું છે એને મેળવવા એ પ્રયત્ન કરે છે પણ કેમ આવું જ? કોઈ હોય ત્યારે એને નહિ સાચવવાનું અને કોઈ જતું રહે પછી એની યાદમાં રડવાનું? કોઈ હોય ત્યારે એની કદર નહિ કરવાની અને કોઈ જાય પછી એને મેળવવા માટે પ્રયાસો કરવાના? કોઈ આપણને પ્રેમ કરે છે કે લાગણી રાખે છે તો એને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવાના અને એને ગુમાવીને પછી એ મુલ્યવાન છે એ સમજવાનું? શું એની જગ્યા એ એમ ના થઇ શકે કે કોઈ હોય ત્યારે જ એની લાગણીઓ, એનો પ્રેમ, એનું મહત્વ બધું આપણે સમજી લઈયે જેથી એને ગુમાવીને રડવાનો વારો ના આવે. સારા અને આપણને પ્રેમ કરનાર માણસો માંડ મળે છે તો એને સાચવી લેવાના હોય. કારણ કે કોઈ આપણને પસંદ કરે, પ્રેમ કરે આપણને ગમાડે એનાથી સુંદર લાગણી જગતમાં બીજી કોઈ નથી. દર વખતે કશુંક ગુમાવીને જ સમજવું જરુરી નથી... 

- અર્ચના તેજસિંહ ચૌહાણ 

આ સમાચાર શેર કરો