મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સુનીલ ગાવસ્કર સાથે આવો અન્યાય કેમ?

- ફ્રી હિટ આજે 7મી જૂન અને આ તારીખ સાથે ક્રિકેટની ઘણી બધી ઘટનાઓ જોડાઈ છે. એમાંથી એક ઘટના એવી છે જે

શતરંગ / સુનીલ ગાવસ્કર સાથે આવો અન્યાય કેમ?

- ફ્રી હિટ

આજે 7મી જૂન અને આ તારીખ સાથે ક્રિકેટની ઘણી બધી ઘટનાઓ જોડાઈ છે. એમાંથી એક ઘટના એવી છે જે એક રીતે જોવા જઈએ તો ભૂલી જવા જેવી છે. પરંતુ આપણે ત્યાં સુનીલ ગાવસ્કરના અમુક રાષ્ટ્રીય ટીકાકારો બેઠા છે જે મારી મચેડીને આ ઘટના ભૂલવા દેતા નથી. વળી આજકાલ T20નો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને જે ઘટના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ એ પણ વર્લ્ડ કપ સાથે જ જોડાયેલી છે. 

ચાલો, તમારો વધુ સમય ન બગાડતા આપણે વાત કરીએ એ ઘટનાની. તો વાત છે ક્રિકેટના સહુથી પહેલા વર્લ્ડ કપની સહુથી પહેલી મેચની. 1975માં આજની જ તારીખે સહુથી પહેલા વર્લ્ડ કપની સહુથી પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. એ સમયે વન-ડે મેચો 60 ઓવર્સની રમાતી. 

પહેલી બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે 60 ઓવર્સમાં 4 વિકેટ ગુમાવીને 334 રન્સ કર્યા હતા. ડેનીસ એમીસે 137 રન્સ બનાવ્યા હતા. ભારતે બીજી બેટિંગ કરતા એકનાથ સોલકરની વિકેટ તરત જ ગુમાવી દીધી હતી. પરંતુ બીજે છેડે સુનીલ ગાવસ્કરે પૂરેપૂરી 60 ઓવર્સ રમી અને ફક્ત 36 રન્સ બનાવ્યા અને નોટ આઉટ રહ્યા. ગાવસ્કરે આ ઇનિંગમાં 174 બોલ્સ રમ્યા હતા. 

સ્વાભાવિક છે કે આ પ્રકારની ગોકળગાયની ગતિની બેટિંગ થાય ત્યારે આશ્ચર્ય તો થાય જ પરંતુ તેની આકરી ટીકા પણ થાય. પરંતુ કારણકે સુનીલ ગાવસ્કર ભારતના મહાનતમ બેટરોમાં સામેલ છે એટલે તેમની ટીકા વધુ થાય તે સ્વાભાવિક છે. માઈન્ડ યુ તે સમયે ગાવસ્કર નવાસવા હતા. 

તો ગાવસ્કરે આવી બેટિંગ કેમ કરી તેવો પ્રશ્ન તો સહુને થાય જ. આ બાબતે એક લોકકથા એવી છે કે ગાવસ્કર અને તે સમયના કેપ્ટન વેંકટરાઘવન વચ્ચે બહુ સારું બનતું ન હતું. આથી ગાવસ્કરે બદલો લેવા માટે આવી ધીમી ઇનિંગ રમી હતી. પરંતુ જો આ મેચનું સ્કોર બોર્ડ જોવામાં આવે તો ગુંડપ્પા વિશ્વનાથ સિવાય ભારતના અન્ય કોઈ બેટરે ફાસ્ટ રમવાનો પ્રયાસ જ નહોતો કર્યો. વિશ્વનાથની સ્ટ્રાઈક રેટ પણ 60ની જ રહી હતી.

તો ફક્ત સુનીલ ગાવસ્કરને જ આ બાબતે કેમ દોષ આપવામાં આવે છે? બાકીનાં બેટરો જેમાં અંશુમાન ગાયકવાડ અને બ્રિજેશ પટેલ સામેલ છે એ લોકો કેમ ફાસ્ટ ન રમ્યા? વળી ભારતે ફક્ત 3 જ વિકેટ ગુમાવીને 132 રન્સ બનાવ્યા હતા આથી મોહિન્દર અમરનાથ, ફારૂખ ઈન્જીનીયર અને સૈયદ આબિદ અલી જેવા આક્રમક બેટરોનો તો વારો જ ન આવ્યો! 

શું આ સ્કોરકાર્ડ એમ નથી કહેતું કે કદાચ ફક્ત ગાવસ્કરને જ નહીં પરંતુ ટીમના મોટાભાગના સભ્યોને વેંકટરાઘવન સાથે કોઈ પ્રોબ્લેમ જરૂર હશે અને આથી જ એ લોકોએ ભેગા મળીને ટીમને હરાવી દીધી હશે? હા એ શક્ય હોય કે આ ટોળીનું નેતૃત્વ સુનીલ ગાવસ્કરે લીધું હોય. પણ એ પણ ગળે નથી ઉતરતું કારણકે તેમનાથી તો સોલકર, એન્જીયર, પટેલ અને આબિદ અલી સિનીયર હતા. 

જો સુનીલ ગાવસ્કરનો પક્ષ સાંભળવામાં આવે તો તેમણે એમ કહ્યું કે આ મારી પહેલવહેલી વનડે મેચ હતી અને આ નવા ફોર્મેટમાં કેમ રમવું એનો મને ખ્યાલ જ નહોતો આવતો એટલે હું આટલું ધીમું રમ્યો. જોકે ગાવસ્કરની આ દલીલ પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણકે જો તમને કેમ રમાય એ પાંચ કે છ ઓવર સુધી ખબર ન પડતી હોય તો તમારે કેચ ઉછાળીને આઉટ થઇ જવાય અને અન્યોને ચાન્સ અપાય.

ખૈર! આપણો આજનો મુદ્દો એ નથી, આપણો મુદ્દો તો એ છે કે ગાવસ્કરને કેમ કાયમ ઉપરોક્ત ઇનિંગ માટે જ યાદ કરી કરીને ટ્રોલ કરવામાં આવે છે? શું તેમણે આ બાદ એક પણ વનડે મેચ નહોતી રમી? કે પછી એક પણ વર્લ્ડ કપ નહોતો રમ્યો? ગાવસ્કરે આ બાદ 1979, 1983 અને 1987 એમ ત્રણ વર્લ્ડ કપ રમ્યા હતા જેમાંથી એકમાં તેઓ ચેમ્પિયન થયા હતા. 1985માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વનડેમાં મીની વર્લ્ડ કપમાં કપ્તાની કરીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન પણ બનાવી હતી. 

પરંતુ, જાણેકે 1975ના વર્લ્ડ કપની એ ઇનિંગનું પ્રાયશ્ચિત કરતા હોય એમ ગાવસ્કરે 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે નાગપુરમાં રમાયેલી મેચમાં (હા એજ મેચ જેમાં ચેતન શર્માએ હેટ્રિક લીધી હતી) ધમાકેદાર બેટિંગ કરી હતી. આ મેચ ભારતે જીતવી કદાચ એટલી જરૂરી ન હતી જેટલી જીત મોટા રનરેટ સાથે જીતવી જરૂરી હતી. જો ભારત ઊંચા રનરેટ સાથે આ મેચ જીતે તો જ તે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા નંબરે પહોંચત અને તેને સેમીફાઈનલ મુંબઈમાં રમવા મળત નહીં તો તેણે કરાચી જવું પડત. 

ગાવસ્કરે આ મેચમાં ન્યૂઝીલેન્ડના બોલરોના છોતરાં કાઢી નાખતા ફક્ત 88 બોલ્સમાં 103 રન્સ બનાવ્યા અને નોટ આઉટ રહ્યા. મજાની વાત તો એ છે કે સામે છેડે પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા એવા કૃષ્ણમાચારી શ્રીકાંત એક પ્રેક્ષકની જેમ ગાવસ્કરની બેટિંગ જોઈ રહ્યા હતા અને તેને માણી રહ્યા હતા. ભારતે એ મેચ ફક્ત 32.1 ઓવર્સમાં જ જીતી લીધી અને પોઈન્ટ્સ ટેબલ પર પહેલું સ્થાન મેળવી લીધું.

પરંતુ જે લોકોને ગાવસ્કરનું અપમાન જ કરવું છે તે લોકોને કાં તો આ મેચની ખબર નથી કાં તો તેમને ખબર છે પણ ગાવસ્કરને ટ્રોલ કરવા છે એટલે તેને યાદ નથી કરતા. હાલમાં ગાવસ્કરે વિરાટ કોહલીની અમુક જગ્યાએ આકરી ટીકા કરી હતી ત્યારે પણ વિરાટ કોહલીના ફેન્સે આ જ મેચનો હવાલો આપીને ગાવસ્કરને અપમાનજનક શબ્દો કહ્યા હતા.

આથી હવે જો ગાવસ્કરની ઇંગ્લેન્ડ સામેની પેલી ગોકળગાય જેવી ઇનિંગ યાદ કરો તો ન્યૂઝીલેન્ડ સામેની ચિત્તા જેવી ઇનિંગને યાદ કરવાનું ભૂલતા નહીં.

- સિદ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો