મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ‘શ્રીમદ ભગવદ ગીતા’ આટલો મહત્વનો ગ્રંથ કેમ છે?

- ગીતા Talks ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કળા એ કરી છે કે એમણે જ્ઞાનને જીવનમાં વાપરવું કેવી રીત

શતરંગ / ‘શ્રીમદ ભગવદ ગીતા’ આટલો મહત્વનો ગ્રંથ કેમ છે?

- ગીતા Talks

ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કળા એ કરી છે કે એમણે જ્ઞાનને જીવનમાં વાપરવું કેવી રીતે એની ફોર્મ્યુલા પણ જાહેર કરી છે.

વાતની શરૂઆત એક પ્રશ્નથી કરીએ...

પ્રશ્ન એટલો કે ‘શ્રીમદ ભગવદ ગીતા’ આટલો મહત્વનો ગ્રંથ કેમ છે? આપણી પરમ્પરામાં તો ગીતા કરતાં ય જુના વેદો છે, ખુબ બધા ઉપનીશદો છે, ગીતા કરતાં પણ પૌરાણિક એવા કેટલાંય દાર્શનિક ગ્રંથો છે. (દર્શન એટલે એટલે ફિલોસોફ-તત્વજ્ઞાન, પણ માત્ર ફિલોસોફી નહિ) તો ભારતીય ગ્રંથોમાં ગીતા કરતાં ય જુના એવા દર્શનગ્રંથો છે જ. એવું કહેવાય કે વેદોનો નીચોડ ઉપનીષદો છે અને ઉપનીષદોનો નીચોડ ‘શ્રીમદ ભગવદ ગીતા’ છે. એટલે એક રીતે જોઈએ તો ગીતામાં એમ સાવ જ નવું કશું નથી કહ્યું. ગીતા તો એમ સ્વતંત્ર ગ્રંથ તરીકે પણ નહોતો રચાયો. એ તો મહાભારત જેવા મહાગ્રંથનો એક નાનો અંશ છે. છતાં ગીતા આ બધા ગ્રંથો કરતાં સૌથી મહત્વનો ગ્રંથ કેમ સ્થાપિત થયો? એવું તો શું છે ગીતામાં જે બીજા કોઈ ભારતીય દર્શનમાં નથી?

ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કમાલ એ કરી છે કે એમણે ગીતાને માત્ર દર્શન - તત્વજ્ઞાન - ફિલોસોફીની વાતો પુરતી સીમિત નથી રાખી. ગીતા એ માત્ર ઉપનીષદોનો નીચોડ નથી - એમાં સાથે કૃષ્ણના આખાય જીવનના પ્રેક્ટીકલ અનુભવોનું ભાથું ય ભળે છે. એટલે ગીતામાં કૃષ્ણએ સૌથી મોટી કળા એ કરી છે કે એમણે આ જ્ઞાનને - આ સાંખ્યને જીવનમાં વાપરવું કેવી રીતે એની ફોર્મ્યુલા પણ જાહેર કરી છે. કૃષ્ણએ ગીતામાં એ ફોર્મ્યુલા મૂકીએ પછી કૃષ્ણ ‘યોગેશ્વર કૃષ્ણ’ કહેવાયા. એ ફોર્મ્યુલા એટલે ‘યોગ’. 

કૃષ્ણ અર્જુનને પહેલા સાંખ્ય દર્શન કરાવે છે. કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપીને નિવૃત કે સંસારથી દુર નથી કરવાનો. પણ અર્જુનને કર્મમાં - એના સ્વધર્મમાં એક્ટીવ કરવાનો છે. એટલે કૃષ્ણ એને એ જ્ઞાનને પ્રેકટીસમાં કેમ મુકવું એ પણ શીખવે છે, કૃષ્ણ અર્જુનને ‘યોગ’ શીખવે છે. ‘યોગ’ શબ્દ પર બે વાત કરી લઈએ. ‘યોગ’ એ શબ્દ ‘યુજ્’ ધાતુ પરથી આવ્યો છે. સસ્કૃતમાં ‘યુજ્’ એટલે ‘જોડાવું’ - to join. ને કેવો સરસ સંયોગ છે કે ઇંગ્લીશમાં ‘use’ એટલે વાપરવું - ઉપયોગમાં લેવું. જ્ઞાનને રોજેબરોજના કર્મમાં use કરતાં શીખવું - ઈમ્પ્લીમેન્ટેશન - અમલ કરતાં શીખવું એટલે ‘યોગ’. જ્ઞાન અને આપણા કર્મોને જોડતી કડી એટલે ‘યોગ’. કર્મ - એક્શન ધ્વારા ઈશ્વર સાથે સેતુ - બ્રીજ બાંધવાનું એન્જીન્યરીંગ એટલે ‘યોગ’.  

આજે આપણે ભગવદ ગીતાનો એ શ્લોક જોઈએ જેમાં કૃષ્ણ ‘ભગવદ ગીતા’નું ગાન કરતાં પહેલીવાર ‘યોગ’ શબ્દનો ઉચ્ચાર કરે છે. બીજા અધ્યાયનો ૪૮મો શ્લોક... બીજા અધ્યાયનું નામ છે: 'સાંખ્યયોગ' સાંખ્ય એટલે જ્ઞાન, અને યોગ એટલે જ્ઞાનને કામમાં અમલ કરવાની કળા. તો બીજા અધ્યાયનો ૪૮મો શ્લોક છે કે:

योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय |
सिद्ध् सिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते || 2.48||

આપણે આગાઉ કહ્યું એમ આ એ શ્લોક છે કે જ્યાં કૃષ્ણ પહેલી વાર ‘યોગ’નો ઉલ્લેખ કરે છે. પહેલા આપણે શ્લોકનો સરળ ભાવાનુવાદ જોઈ લઈએ કૃષ્ણ કહે છે કે, "सङ्गं त्यक्त्वा धनञ्जय એટલે હે ધનંજય! હે અર્જુન, આસક્તિઓને ત્યાગીને - to leave all attachment તેમ જ ‘सिद्ध् सिद्ध्यो: समो भूत्वा’ એટલે સિદ્ધિ અને અસિદ્ધિ સમબુદ્ધિ થઈને - योगस्थ: कुरु कर्माणि એટલે કે યોગમાં સ્થિર થઈને કર્મમાં લાગી જા. કેમ કે समत्वं योग उच्यते... કર્મમાં આ સમત્વ-સમતા એ જ યોગ છે."

ફરી એકવાર આખો અનુવાદ માત્ર ગુજરાતીમાં જોઈએ તો , "હે ધનંજય! આસક્તિઓને ત્યાગીને તેમજ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિ થઈને કર્મમાં લાગેલો રહે, કેમ કે કર્મમાં આ સમતા - આ સમત્વ એ જ યોગ છે."

આ શ્લોકનું ચોથું ચરણ "સમત્વ યોગ ઉચ્ચતે" એક સ્વતંત્ર સુભાષિતની જેમ ખુબ જાણીતું બન્યું છે. આ સમતા-સમત્વ જૈન અને બોદ્ધ ધર્મમાં બહુ મહત્વનો સિદ્ધાંત છે.

જીવન એ ટી-૨૦ મેચ નથી, જીવન એ ટેસ્ટ મેચ છે. કૃષ્ણ એમ કહે છે કે તું બેટ હાથમાં લઈને તારા કર્મમાં લાગેલો રહે, ભલે કેટલાય બોલ સુધી રન આવે કે ના આવે... યોગસ્થ થઈને પ્રયત્નો કરતા જ રહેવાના છે. સામેનો બોલર કે બોલ ઉશ્કરે પણ એમાં સમ રહેવાનું છે. બાઉન્સર આવે તો ઝુકી જવાનું છે. આગળ પાછળના બોલનો સંગ ત્યાગીને જે બોલ આવે છે એને જ મેરીટ પર રમવામાં યોગસ્થ થવાનું છે. બસ ક્રીઝ પર ટકી રહેવાનું છે, ક્રીઝ પર હોઈશું તો સ્કોરબોર્ડ ફરશે જ... એવા બોલ આવશે જ જેમાં રન બનશે જ... તો એ ટકવા માટે જે સમતા - જે સ્વસ્થતા જોઈએ એ સમત્વ યોગ ઉચ્ચતે!

ગીતા વિચાર: 

સૌથી શરૂઆતમાં આપણે વાત કરી કે ગીતા એ માત્ર ઉપનીષદોનો અર્ક નથી, પણ એમાં કૃષ્ણના અનુભવોનું ભાથું ભળ્યું છે, એટલે જ આખી ગીતા સંભળાવ્યા બાદ કૃષ્ણ જ એ સમતા બતાવી શકે કે , મારે જે કહેવાનું હતું એ કહ્યું. હવે અર્જુન “યથેચ્છસી તથા કુરુ- તને જેમ યોગ્ય લાગે એમ કર...”

- મિલી મેર

આ સમાચાર શેર કરો