મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માણસને અકારણ વ્યસ્ત રહેવાનો શોખ કેમ લાગ્યો છે?

માણસજાતમાં અકારણ વ્યસ્ત રહેવાનું અને તેનું પ્રદર્શન કરવાનો કેટલાકને જન્મજાત શોખ હોય છે. જાતને અકાર

શતરંગ / માણસને અકારણ વ્યસ્ત રહેવાનો શોખ કેમ લાગ્યો છે?

   માણસજાતમાં અકારણ વ્યસ્ત રહેવાનું અને તેનું પ્રદર્શન કરવાનો કેટલાકને જન્મજાત શોખ હોય છે. જાતને અકારણ વ્યસ્ત રાખવાવાળા મહેમાન તરીકે પધારે તો પણ દરેક બાબતમાં ઝડપ ઇચ્છતા હોય છે. કહેવાતા વ્યસ્ત લગ્નમાં જાય અને ફટાફટ ચાંલ્લો લખાવીને સીધા ભોજન તરફ પ્રયાણ કરવાનું. ભોજન જલદી જલદી ખતમ કરીને ઘર તરફ પ્રયાણ કરવાનું. તમે લગ્નમાં ગયા છો તો સગાવહાલાઓને શાંતિથી મળવાનું રાખવાને બદલે ઝડપ કરવાથી શું મળતું હશે એ એમને જ ખબર હશે. 

   ઘણા મહેમાન ઘરે આવે એટલે સ્વાભાવિક છે કે થોડીવાર બેસો, ખબરઅંતર પૂછો અને ચા પૂછવામાં આવે ત્યારે શાંતિથી ચા નાસ્તો કરીને જવાને બદલે સામો સવાલ પૂછવામાં આવે કે ચા ઝડપથી થાય તો જ બનાવજો. આપણને એવું થાય કે આ નમુનાને સગડી પર બેસાડી ચા ખાંડ દૂધ એના મોંમાં નાખીને ગેસ પ્રગટાવી દઇએ. દરેક વાતમાં ઝડપ રાખવાવાળાને ફરવા લઇ જાવ તો એ ત્યાં પણ ઝડપ રાખે અને ફાઇનલી કંટાળી જાય. જે મ્યુઝિયમ જોતાં ત્રણ ચાર કલાક થાય એ પંદર મિનીટમાં જોઇ લે. ગોવાના દરિયા કિનારે લઇ જાવ કે પછી હિમાલય જાવ પણ એ ઝડપી પ્રજાને નજારો માણવા કરતાં એને વધારે મજા ઘરે પાછા ફરવાની વાતમાં આવે. ભોજનની થાળીથી માંડી સિનેમાના સ્ક્રીન સુધી દરેક વાતમાં કંટાળી જતાં આ નમુનાઓ સાથે લાંબા પ્રવાસ કરવાના હોય તો એ આપણને ભારરૂપ લાગવા માંડે. જાણે આપણે દરેક વાતમાં સમજાવવો પડે અને દરેક વાતે ખુશ રાખવાની આપણી નૈતિક જવાબદારી હોય એટલો ભાર લાગ્યા કરે. તનિક રુકો જરા જેવી વાત આ વ્યસ્ત પ્રજાને ખબર જ હોતી નથી. ફટાફટ જિંદગી ખતમ કરવામાં મળવાનું શું છે એ ખબર નથી પણ વ્યસ્તતા છોડવી નથી. 

    પ્રશ્ન એ થાય કે માણસને અકારણ વ્યસ્ત રહેવું શા માટે ગમે છે એ જાણવું જરૂરી છે.  ઘણી વાર માણસના મનમાં જાતજાતના ડર છૂપાયેલા હોય છે. કોઈ આવીને મારું ઘર, પ્રોપર્ટી કે કિંમતી માલમત્તા લઇ જશે. અચાનક નોકરી ધંધો ચાલ્યો જશે તો શું થાય કે પછી અસાધ્ય બિમારી લાગુ પડે તો શું થાય જેવા અજ્ઞાત ડરથી બચવા એ અકારણ વ્યસ્ત રહેવાની કોશિશ કરે છે. માણસને સૌથી વધારે પરેશાન કરતો હોય તો અજ્ઞાત ડર છે. આ ડર સામે લડવા માટે કોઈ માર્ગ મળતો ન હોય એ સંજોગોમાં મનને બીજે વ્યસ્ત રાખવાની ફોર્મ્યુલા કામ આવતી હોય છે. 
  
   ઘણાના મનમાં એવો ભ્રમ હોય છે કે સતત વ્યસ્ત રહેવાથી જ સફળતા મળતી હોય છે. વ્યસ્તતા સફળતાનો માર્ગ નથી પણ યોગ્ય આયોજન સહિત અનેક પરિબળો સફળતાનો માર્ગ છે. વ્યસ્ત રહેવું એ જ સાચી મહેનત છે એ ભ્રમમાં રાચવું એ મુર્ખામીનું પ્રદર્શન છે. 
  
    માણસને જન્મજાત આદર સત્કાર અને સન્માન વહાલા હોય છે. વ્યસ્ત રહેવા માટે સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો  સામાજિક પ્રતિષ્ઠા મળે છે. સમાજમાં વાત પ્રસરવા લાગે કે ફલાણા ભાઇ ખૂબ વ્યસ્ત હોય છે, આ કારણે સહુ તેમને અહોભાવથી જોવા લાગે છે. મારી પાસે સમય જ હોતો નથી એ સોશિયલ સિમ્બોલ સ્ટેટ્સ બની ગયું છે. મારે ચોવીસ કલાક ઓછા પડે એટલી વ્યસ્તતા છે એ ભ્રામક સત્ય છે. સવાલ એ છે કે વ્યક્તિની અકારણ વ્યસ્તતા થકી શારીરિક તકલીફોની શરૂઆત થાય છે પણ સાથોસાથ એ વાત ચોક્કસ છે કે માનસિક સમસ્યાઓ તો ઉદભવે જ છે.  અકારણ વ્યસ્તતા વચ્ચે ધીમે ધીમે વ્યક્તિ એકલતાનો અનુભવ કરવા લાગે છે. એકલતા થકી છેક ડિપ્રેશન સુધી અસંખ્ય સમસ્યાઓ ઉદભવે છે. એકલતા માણસને કોરી ખાય છે, આત્મહત્યા કરવા સુધી પ્રેરી શકે છે. સરવાળે અકારણ વ્યસ્તતા માણસ એકલાને બરબાદ નથી કરતી પણ એના પરિવારને ય સજા ભોગવવી પડે છે. વ્યસ્તતાનો દેખાડો પારિવારિક શાંતિને હણી નાખે છે. માણસના સ્વભાવમાં ગુસ્સા નામનું એલિમેન્ટ ઉમેરાય છે. જરા સરખી કોઇની રાહ જોવાની થાય તો વ્યસ્તતાના શોખીનોનો મગજનો પારો આસમાને પહોંચી જાય છે. અકારણ વ્યસ્ત રહેવા માટે એક કારણ એ પણ હોય છે એને સમસ્યાઓનો સામનો કરવાનો ડર લાગે છે. સામાજિક પ્રસંગો હોય, કોઈના સુખદુઃખમાં સાથ આપવાનો હોય કે જીવનમાં આવતી નાની મોટી ચેલેન્જથી ભાગવાનો સૌથી સરળ ઉપાય છે પોતે અતિવ્યસ્ત છે એ સાબિત કરવું. આમ તો આ પોતાની જાત સાથે છેતરપિંડી છે પણ આ સિવાય બીજો માર્ગ પણ શોધી શક્તો નથી. ઇવન ફાલતુ વ્યસ્તતાનો દંભ માણસને જીવનમાંથી આનંદ તત્વ ગાયબ કરી દે છે. વાંચન, કળા, નૃત્ય, વાતચીત જેવી સહજ કળાઓ તથા પ્રકૃતિથી દૂર થવાની સજા ભોગવવી પડે છે. વ્યક્તિગત જીવનના રોમાન્સથી દૂર રહેવા વ્યસ્ત હોવાનું બહાનું કાઢે છે. સરવાળે જીવનમાંથી અજાણતા ઉમંગ ગુમાવી દે છે.  ખોટેખોટો વ્યસ્ત રહેતો માણસ વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે પોતે વિચારેલી સ્વપ્નની દુનિયામાં જીવે છે. કાલ્પનિક દુનિયામાં રાચતા માણસને જરા સરખો ધક્કો લાગે તો અસામાન્ય વર્તણૂક કરવા લાગે છે. 
   
    અકારણ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણા દૂર કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે પરિવાર, મિત્રો અને મનગમતા શોખ માટે નાનકડો સમય કાઢવાની ટેવ પાડવી જોઈએ. ચોવીસ કલાક ચાલતા ઇન્ટરનેટની આભાસી દુનિયાને વિરામ આપવાથી મૂલ્યવાન સમય મળે છે. સંગીતથી માંડી પેઇન્ટિંગ સુધી કોઈ શોખ અધૂરો રહ્યો હોય તો એને પૂરો કરવામાં સમય ફાળવવો જોઈએ. માણસની વ્યસ્તતા વચ્ચે વર્ષ 2024 પણ ફટાફટ અડધે પહોંચવા આવ્યું, બાકીના અડધો સમય તહેવારો અને વહેવારો વચ્ચે ક્યારે ખતમ થઈ જશે એની ખબર પણ પડવાની નથી. હા, જેવું 2025 સ્વાગત માટે રાહ જોવા લાગે એ પહેલાં 2024ની પ્રત્યેક ક્ષણની મજા તો માણીએ.

    મોરના માથા પરની શીખાની જેમ, સર્પના મસ્તક રહેલા મણીની જેમ વિજ્ઞાનના કોઈ પણ ક્ષેત્રમાં ગણિત તેના મસ્તક પર રહેલું છે. (જ્યોતિષ વિજ્ઞાન)

આ સમાચાર શેર કરો