શતરંગ / પ્રેમમાં શા માટે પડવું જોઈએ?
- નોન ફિલ્ટર્ડ પ્રેમ તમારો ખોરાક નિયમિત કરે છે. ‘મેલે બાબુને થાના થાયા?’ નો જવાબ આપવા માટે પણ બાબુએ રોજ જમ

- નોન ફિલ્ટર્ડ
પ્રેમ તમારો ખોરાક નિયમિત કરે છે. ‘મેલે બાબુને થાના થાયા?’ નો જવાબ આપવા માટે પણ બાબુએ રોજ જમવું જ પડે. વળી બાબુના વળતા સવાલ માટે સજ્જ શોના પણ જમ્યા બાદ જ આ મેસેજ કરી શકતી હોય.
પ્રેમ તમને હેલ્ધી લાઈફસ્ટાઈલ આપે છે. સૂર્ય માથે ચઢે ત્યારે પથારીમાંથી માંડ સળવળતા સનાતની સુર્યવંશી પણ પ્રેમમાં ફિટનેસ ફ્રીક બની ઉગમણી ટાણે ગાર્ડનમાં દોડપકડ રમવા માંડે છે. જિમ કે સલાડને કમિટેડ રહેવા પ્રેમથી મોટું મોટીવેશન તો શું હોય?
પ્રેમ તમને પોતાના દેખાવ પ્રત્યે સભાન બનાવે છે. અઠવાડિયે એક વાર ન્હાતા લઘરા/લઘરીઓ દિવસમાં ત્રણ વાર ન્હાઈને સાબુનું બજેટ ખોરવી નાખે છે. દિવસમાં માંડ એકાદ વાર મોઢું ધોતી શોનુઓ (હા, છોકરીઓને આવે કંટાળો મોઢું ધોવાનો.) ઘરમાં ય મેકઅપ ઠપકારીને ફરે ને જેનામાંથી પગના મોજાઓ કરતા ય વધારે વાસ આવતી હોય એવા મોનુઓનું ઘર સતત પરફ્યુમથી મહેકતું રહે છે. પર્સનલ હાઈજીનને લઈને કૅરલેસ હોવ તો એકવાર પ્રેમમાં અચૂક પાડવા જેવું.
પ્રેમ તમને સમયની કદર કરતા શીખવે છે. ‘લેટ લતીફ’ નો ખિતાબ ગર્વભેર ખભે રાખીને ફરતા લાલકુંવરો/કુંવરીઓ પણ પોતાના લવલા/લવલી ને મળવાનો સમય ચૂકતા નથી. (ચૂકે તો મુલાકાત ‘માણવા’ ને બદલે મનાવવામાં જ બાકીનો સમય જાય.) વળી ઘર-પરિવાર, કામ, દોસ્તો વગેરેની વચ્ચે ય સતત પોતાના જાનુને આપવાના સમયનું ચીકુ/દીકુ જે પ્રકારે મેનેજમેન્ટ કરે છે એ તો લાખો રૂપિયા ખર્ચો તો ય વિશ્વની કોઈ યુનિવર્સિટી શીખવાડી ન શકે!
પ્રેમમાં માણસ ક્રિએટિવ બને છે. નાનકડા બાબલાઓ કરતાં વધારે કલ્પનાશીલ (એક્ઝામ્પલ માંગવા નહી.) પ્રેમમાં પડેલા બેબીઝ હોય છે એ NASAના વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી એમના ફોન ડેટાને ઓબ્સર્વ કરીને કાઢેલું તારણ છે. જો કે હું દ્રઢપણે માનું છું કે આ બાબતે RBI નિબ્બા-નિબ્બીઓના મગજમાં ચિપ લગાવી વધુ સંશોધનો કરે તો અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી શકે.
પ્રેમ તમને પોલાઈટ બનાવે છે. ટણીને નાકના ટેરવે રાખીને ફરતા ઘમંડ શિરોમણીઓ પણ પ્રેમમાં પડે એટલે ઘૂંટણિયે આવી જ જાય. પાપા કી પરી હોય કે મમ્મીનો રાજા બેટો, પોતાના પ્રેમી/પ્રેમિકાની આગળપાછળ પોપલું પૂચકું થઈને જ ફરશે. (પુચકું નો અર્થ પૂછવો નહી, પ્રેમમાં પડો એટલે ખબર પડી જશે.)
પ્રેમ તમને કરિયર પર ફોકસ કરતા શીખવે છે. ડાર્લિંગ સાથે ડેટ કે લોંગ ડ્રાઇવ પર જવાથી લઈને ગિફ્ટ્સના ખર્ચા બાપા તો આપવાથી રહ્યા! એટલે જખ મારીને પણ વધુ રૂપિયા કમાવા પર ધ્યાન આપવું જ પડે. જો કે કમાવાની લ્હાયમાં યરલી બર્થડે કે વિકલી એનીવર્સરીઝ ભૂલી ન જવાય એનું ધ્યાન ખાસ રાખવું પડે.
કહેવાય છે કે પ્રેમ પીડા આપે છે. પણ હું માનું છું કે પ્રેમ તમને સ્ટ્રોંગ બનાવે છે. ગમે તેટલું માથું દુખતું હોય કે તાવ ભલે ને આવતો હોય, હનીનો ‘મમ્મી પપ્પા બહાર ગયા છે’ વાળો મેસેજ આવે કે bunny બધું દરદ ભૂલીને મળવા દોડી જશે. પ્રેમરોગ અનેક રોગોનો ઈલાજ છે. એ અલગ વાત છે કે પ્રેમનો કોઈ ઈલાજ નથી અને અનિંદ્રા, સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા રોગો પ્રેમને કારણે થઈ શકે!
- કૃતિ શાહ








